Gujarat News Today: આજે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો અંતિમ દિવસ છે, પરંતુ અનેક શાળાઓમાં હજુ પણ પાઠ્યપુસ્તકો નહીં પહોંચતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. બીજી તરફ, રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૭ દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વડોદરા ડેરીના હોદ્દેદારોની નિમણૂક, રાજકોટ મનપાની સમિતિઓની રચના અને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં સંભવિત કાયદાકીય કાર્યવાહી આજે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
ગાંધીનગર
શિક્ષણ:ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 2 થી 11 માટે 28 નવા અને પરિષ્કૃત પાઠ્યપુસ્તકો અમલમાં મુકાયા છે, જેમાં AI જેવા વિષયોનો પણ સમાવેશ છે. જોકે, પ્રવેશ ઉત્સવ પૂર્ણ થવા છતાં હજુ અનેક ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો નહીં પહોંચતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. મંડળ દ્વારા પુસ્તકોની તંગી દૂર કરવા પ્રયાસો હાથ ધરાયા છે.
રાજકીય
ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી દૂર કરવા અંગે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. વિધાનસભા સચિવાલય દ્વારા કોર્ટના આદેશની નકલ મળ્યા બાદ આજે મહત્વનું જાહેરનામું બહાર પડી શકે છે.
અમદાવાદ
શાસન: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેન મુદ્દે આજે સવારે 12 વાગ્યે સભા યોજાશે અને સાંજે 4 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે.
શિક્ષણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાણંદ વિસ્તારમાં આદર્શ પીપણ પ્રાથમિક શાળા અને મોડલ સ્કૂલ ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
અભિયાન: 'છાત્રો કી ગૂંજ' રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી અભિયાન અંતર્ગત આજે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સતેજ પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરશે.
ગુનાખોરી: નકલી પ્લાઝમા રેકેટ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોગ્ય વિભાગ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે.
રાજકોટ
રાજકીય:આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળશે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત અર્જન્ટ દરખાસ્ત તરીકે 15 સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની નિમણૂક થવાની પ્રબળ શક્યતા છે.
વડોદરા
રાજકીય:ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરાની મુલાકાતે છે. કમલમ ખાતે સંગઠનની બેઠક યોજાશે, જેમાં બરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની વરણીનું કોકડું ઉકેલાય તેવી શક્યતા છે.
અંબાજી
શિક્ષણ: અંબાજી ગ્રામ પંચાયતની માધ્યમિક શાળામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઇ માળીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાશે.
મંદિર: અંબાજી મંદિરના માર્બલની ચમક વધારવા માટે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી 25-30 કારીગરો દ્વારા ઘસાઈની કામગીરી પૂર્ણતાના આરે છે, ત્યારબાદ પોલીશ કામ કરવામાં આવશે.
હવામાનની આગાહી
ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે સક્રિય થયું છે. આગામી 2-3 દિવસમાં વરસાદનું જોર વધશે અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જૂનાગઢ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Weather : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ