Gujarat News Today: ગુજરાતમાં આજે અનેક મહત્વની રાજકીય, સામાજિક અને વહીવટી ગતિવિધિઓ જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આજે રાજ્યના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ લોકઉપયોગી કાર્યક્રમો અને સમીક્ષા બેઠકોમાં હાજરી આપશે. બીજી તરફ, રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની સફળતા, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની કિસાન મહા પંચાયત અને નર્મદા તથા દાહોદ જિલ્લાના સ્થાનિક અહેવાલો પણ આજના દિવસના મુખ્ય આકર્ષણ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં કુલ 4 મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે.
કાર્યક્રમ1: "ભારત ટેક્ષી" સેવાનો શુભારંભ
અમિતભાઈ શાહ ભારતની સૌપ્રથમ ડ્રાઇવરની માલિકી ધરાવતી સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી" નો સવારે 11:00 કલાકે મહાત્મા મંદિર, સેક્ટર-13 , ગાંધીનગરમાં પ્રારંભ કરાવશે.
કાર્યક્રમ 2 : 'દિશા' (DISHA) ની બેઠક
ર્કિટ હાઉસ, સેકટર-20, ગાંધીનગરમાં અમિતભાઈ શાહ જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમીટી (દિશા) ની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ 3: "સામુહિક વૃક્ષારોપણ" અભિયાનની સમીક્ષા
સાંજે 04:45કલાકે સર્કિટ હાઉસ એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાને 'હરીયાળી લોકસભા' બનાવવાના અંતર્ગત ચાલી રહેલા સામુહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે.
કાર્યક્રમ 4: સાબરમતી વિધાનસભાનો લોકદરબાર
સાંજે 06: 30 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા અંતર્ગત આવતા રાણીપ અને સાબરમતી વોર્ડના લોકદરબારમાં સ્થાનિક રજૂઆતો સાંભળશે.
સુરેન્દ્રનગર: આજે ખેડૂતોના પ્રશ્ને આપની 'કિસાન મહા પંચાયત'
સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામે આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ 'કિસાન મહા પંચાયત' નું આયોજન કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ સહિતના ગામોમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના વીજપોલ નાખવામાં આવી રહ્યા હોવાનો વિરોધ ચાલી રહ્યો છે. આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે યોજાનારી આ મહાપંચાયતમાં આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિતના ટોચના નેતાઓ અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
નર્મદા: યુવા શક્તિ સંમેલન અને સરકારી યોજનાઓનું માર્ગદર્શન
નર્મદા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠક અંતર્ગત આજે એક 'યુવા શક્તિ સંમેલન' યોજાવા જઈ રહ્યું છે. આ સમિતિના માધ્યમથી સ્થાનિક સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણ યોજનાઓની માહિતી યુવાનો સુધી પહોંચાડશે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓ કેવી રીતે પહોંચે તેનું માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, અગાઉના એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ મહુડાના દારૂ અંગે કરેલી ટિપ્પણી ભારે ચર્ચામાં રહી હતી.
દાહોદ: સબજેલના કેદીઓ માટે રમતગમતનું અનોખું આયોજન
જેલમાં બંધ કેદીઓ માનસિક તણાવમાંથી મુક્ત થઈને મન પ્રફુલ્લિત કરી શકે અને તેમનામાં શેરી-મોહલ્લાની બાળપણની રમતોની યાદો જીવંત થાય તેવો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. દાહોદના ડોકી ખાતે આવેલી સબજેલમાં આજે કેદીઓ માટે ખાસ વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેદીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હાલ કોઈ ભારે કે અતિભારે વરસાદની શક્યતા જોવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં હજુ પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Latest News : ગુજરાતમાં 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં