Gujarat News Today: રાજ્યભરમાં આજે વિવિધ મહત્વપૂર્ણ ઘટનાઓ અને વિકાસ કાર્યોને લઈને વાતાવરણ ગરમાયું છે. એક તરફ સરકારી કાર્યક્રમો અને લોકહિતના નિર્ણયોની ચર્ચા છે, તો બીજી તરફ જમીન વિવાદ અને જર્જરિત બાંધકામોને લઈને સ્થાનિકોની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વચ્ચે વિવિધ શહેરોમાં આ મુજબના સમાચાર મુખ્ય રહેશે.
ગાંધીનગર
ગાંધીનગરમાં આજે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાનના 16 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા અને રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં સંસ્થાનના નવીન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન થશે. આ ઉપરાંત, શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 'ઘન કચરા વ્યવસ્થાપન' અંગે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દેસાઈ અને રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા હાજર રહેશે.
અમદાવાદ
ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સલામતીના નિયમોનું પાલન ન કરનાર અનેક ટ્યુશન ક્લાસીસને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સાત દિવસની નોટિસનો સમયગાળો આજે પૂર્ણ થયો છે. પરિણામે, જે ક્લાસીસ દ્વારા હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, તેમને સીલ કરવાની કડક કાર્યવાહી આજે શરૂ કરવામાં આવશે.
વડોદરા
વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આજે ભારતીય વાયુસેનાનો 'ઇન્ડસ્ટ્રી આઉટરીચ ઇવેન્ટ (IOE-2026)' યોજાશે. આ કાર્યક્રમમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, પિચોરા મિસાઇલ સિસ્ટમ અને AN-32 જેવા એરક્રાફ્ટની પ્રદર્શની યોજાશે. વાયુસેના અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ વચ્ચે સંકલન, ટેક્નોલોજી અને ઓપરેશનલ જરૂરિયાતો અંગે મહત્વની ચર્ચા થશે. આ ઉપરાંત, વડોદરામાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આજે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ વિશેષ ઉપસ્થિત રહેશે.
ભાવનગર
ભાવનગર શહેરમાં આવેલા 65 વર્ષ જૂના અને અત્યંત જર્જરિત 'મહિલાબાગ શોપિંગ સેન્ટર'ને લઈને મોટી ચિંતા સેવાઈ રહી છે. ચોમાસાની સ્થિતિ વચ્ચે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. સ્થાનિકો લાંબા સમયથી તેના રિડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
કચ્છ
કચ્છમાં પરંપરાગત રીતે ઉજવાતા સાંસદ કાર્નિવલની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. અષાઢી બીજના પાવન અવસરે હમીરસર તળાવના કાંઠે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે કચ્છના લોકસંસ્કૃતિ અને ઉત્સાહનું પ્રતીક બની રહેશે.
નવસારી
નવસારી મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળશે. પાલિકા બન્યા બાદ પ્રથમવાર યોજાઈ રહેલી આ સભામાં વિવિધ કમિટીઓના નવા ચેરમેનોની નિમણૂક કરવામાં આવશે, જે વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવશે.
વલસાડ
વલસાડની ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનું કામ વિવાદમાં ફસાયું છે. જૂની કસ્ટમ ઓફિસ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જમીન સંપાદન ન થવાને કારણે 70 ટકા કામ પૂર્ણ થયા બાદ બ્રિજનું નિર્માણ અટકી ગયું છે. આ સમસ્યાના ઉકેલ માટે આજે સ્થાનિકો અને સરપંચો દ્વારા બેઠક બોલાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
પોરબંદર
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઇ અને વરસાદી પાણીના સંગ્રહ માટે ફાળવાયેલા ૬૨ કરોડ રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ ઉંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. આ મામલે સામાજિક આગેવાનોએ RTIના દસ્તાવેજો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે.
બનાસકાંઠા
પાલનપુરમાં આજે રિક્ષાચાલકોની મહારેલી યોજાશે. 10 વર્ષ જૂની રિક્ષાઓ પર દંડ અને પોલીસ મેમા સહિતની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે રિક્ષાચાલકો રામપુરા ધણિયાણા ચોકડી ખાતે એકઠા થશે અને કલેકટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર પાઠવશે.
અમરેલી અને મહુવા
અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામે લેન્ડગ્રેબિંગના કિસ્સામાં પોલીસે ખેડૂતને 40 વર્ષ જૂનો કબજો પરત અપાવ્યો છે. વર્ષોથી હેરાન થતા ખેડૂતને ન્યાય મળતા તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, મહુવા અને જસદણ પંથકમાં આયુષીના મૃત્યુના મામલે આહીર સમાજમાં ભારે રોષ છે. ન્યાયની માંગ સાથે આજે રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે.
હવામાન
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા માછીમારોને 1 અને 2 જુલાઈના રોજ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવ