Gujarat News Today: આજે 03 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 કલાકે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમો અને તેમના 12વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનારા કાર્યક્રમો અંગે ખાસ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યમાં આગામી વાવેતરની સીઝન માટે ખાતરની ઉપલબ્ધતા, ઈંધણના પુરવઠાની સ્થિતિ, શાળા પ્રવેશોત્સવ અને કૃષી મહોત્સવ જેવા મહત્વના કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાશે. ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોની તૈયારીઓ અને રાજ્ય સરકારના આગામી આયોજનો તથા નીતિગત વિષયો પર પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
પાટણ APMC માં ખેડૂતોના માલની સુરક્ષા માટે તંત્રની તૈયારીઓ
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં પાટણ APMC ખાતે ખેડૂતો દ્વારા લાવવામાં આવતી જણસ કે માલ વરસાદમાં પલળી ન જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. માલને સુરક્ષિત રાખવા માટે APMC તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થાઓ અને સગવડો કરવામાં આવી છે, તે વિશે ખેડૂતોમાં જાણવાની ઉત્સુકતા છે.
ભાવનગરમાં PGVCLની કામગીરી સામે સવાલો
ભાવનગરમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે, ત્યારે PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શહેરના મુખ્ય વીજ વાયરો પર વૃક્ષોની ઘટાદાર ડાળીઓ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે ટ્રી-ટ્રીમિંગની કામગીરી કદાચ માત્ર કાગળ પર જ કરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં, ખુલ્લા વીજ વાયરો અને ખુલ્લી વીજ પેટીઓ જીવતા બોમ્બ સમાન છે. જો આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે, તો ચોમાસા દરમિયાન ગંભીર અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે.
ખાડિયા અને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો મામલો
અમદાવાદના ખાડિયા અને કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં બેગમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાના કિસ્સા સામે આવ્યા હતા. આ ઘટનાઓને પગલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ અંગેની વધુ વિગતો અને અપડેટ આજે મળી શકે તેમ છે.
આગામી ૩ કલાક માટે આગાહી
હવામાન વિભાગના નાઉ-કાસ્ટ અનુસાર, આજે સવારે 7 થી 10વાગ્યા દરમિયાન કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે.
આ પણ વાંચો: Gujarat Weather : આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉ કાસ્ટ એલર્ટ, આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ


