Gujarat News Today: આજે 11 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: આજે ગુજરાત (Gujarat) માટે ધાર્મિક, રાજકીય અને રમતગમતની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો દિવસ છે, જેમાં એકતરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) સોમનાથ (Somnath) મહાદેવના સાનિધ્યમાં પૂજન-અર્ચન અને જનસભા બાદ વડોદરા (Vadodara) માં સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરશે, તો બીજી તરફ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 31 દેશોના રમતવીરોની સહભાગીતા સાથે 'એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026'નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ ગૌરવવંતી ઘટનાઓ વચ્ચે દુબઈમાં અમદાવાદના એક પરિવારને બંધક બનાવી ખંડણી માંગવાની ઘટના અને ગઢમાં સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ખોડલધામના અગ્રણીઓની હાજરીએ પણ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ અને વડોદરાનો આજનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સોમનાથ મુલાકાત: સવારે 9:15 કલાકે જામનગરથી હેલિકોપ્ટર મારફતે રવાના થઈ 10:00 કલાકે સોમનાથ પહોંચશે. ત્યાં તેઓ સોમનાથ મહાદેવના પૂજન-અર્ચન કરશે અને 'અમૃત મહોત્સવ' પ્રસંગે હાજરી આપશે.
જનસભા: બપોરે 12:00 કલાકે તેઓ સોમનાથમાં જંગી જનસભાને સંબોધશે અને પક્ષના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
વડોદરામાં લોકાર્પણ: બપોરે સોમનાથથી રાજકોટ થઈ સાંજે 5:45 કલાકે વડોદરા એરપોર્ટ પહોંચશે.
સાંજે 7:15 કલાકે વડોદરામાં નવનિર્મિત સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
દિલ્હી રવાના: રાત્રે 7:45 કલાકે વડોદરાથી તેઓ દિલ્હી જવા રવાના થશે.
ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026ની શરૂઆત
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજિત આ સ્પર્ધા 11 થી 17 મે દરમિયાન ચાલશે.આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 જેટલા દિગ્ગજ રમતવીરો ભાગ લેશે.રમતવીરોની સાથે 200 કોચ, સ્ટાફ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.આંતરરાષ્ટ્રીય અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના હોદ્દેદારો સહિત 50 જેટલા વિશિષ્ટ અતિથિઓ ગાંધીનગરના મહેમાન બનશે.
અમદાવાદના પરિવારને દુબઈમાં બંધક બનાવ્યાની ઘટના
અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો એક પરિવાર લંડન જવા રવાના થયો હતો, પરંતુ રસ્તામાં દુબઈ ખાતે તેમને બંધક બનાવી ખંડણી માંગવામાં આવી હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં આજે પોલીસ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવી શકે છે.
ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
આજે ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે કાગવડ ખોડલધામના અધ્યક્ષ અનાર પટેલ, જેની ઠુંમર અને SPG પ્રમુખ લાલજી પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. હાલમાં સુરતમાં ખોડલધામના નિર્માણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અનાર પટેલનું નિવેદન મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit: ગુજરાતની ટીમ પણ મને પુરો ભરોસો: PM મોદી


