Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ દળને વધુ સજ્જ અને આધુનિક બનાવવાના અભિયાનના ભાગરૂપે, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના 449 નવનિયુક્ત બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI) ને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
50,000 પોલીસકર્મીઓની ભરતીનો મેગા પ્લાન
આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરતા એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં રાજ્ય પોલીસ વિભાગમાં કુલ 50,000 જેટલી નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાનું આયોજન વર્ષ 2033 સુધીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
પાંચ વર્ષમાં જ કુલ 15,653 મહિલા કર્મચારીઓની ભરતી
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં પોલીસ વિભાગમાં કુલ 54,509 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં જ કુલ 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ 2008 થી અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા યુવાનો પોલીસ વિભાગમાં જોડાયા છે, જ્યારે હાલમાં પણ 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પોલીસ ભરતી ટ્રેનિંગ માટે ખુલ્લા મુકાશે
ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે, પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ હવે ઉમેદવારોની ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેથી યુવાનોએ ખાનગી કલાસીસના મોંઘા ખર્ચમાં ન પડવું પડે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક પોલીસ અધિકારીઓને પણ ટ્રેનિંગમાં જોડવામાં આવ્યા છે, તેમજ જો આ પ્રક્રિયામાં કોઈ તકલીફ જણાશે તો સરકાર તેમાં ત્વરિત સુધારા કરશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
આપડે ગંગાજળ ન પીવું પડે તેનું ધ્યાન રાખવું: હર્ષભાઇ સંઘવી
આ પ્રસંગે પોલીસ અધિકારીઓની નૈતિક ફરજ અને શિસ્ત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓએ કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે પોતાની મર્યાદાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ભૂલ કરવા પર તેમના પર પણ કાયદાકીય એક્શન લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પારદર્શક શાસનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે સરકાર સખત વલણ અપનાવી રહી છે અને સૌએ 'ગંગાજળ પીવું પડે' તેવી સ્થિતિ ન આવે, એટલે કે પ્રામાણિકતાથી ફરજ બજાવીને વિભાગનું ગૌરવ જાળવવું જોઈએ.
આ પણ વાંચો: Gandhinagar: "ગમે તેવો કડક માણસ પ્રેમથી પીગળી જાય, પોલીસ વધારે પ્રેમ બતાવશે તો કોઈ ગણકારશે નહીં" મુખ્યમંત્રીએ કહી માર્મિક વાત