Gujarat Sthapana Diwas: ઉદ્યોગ અને ઉત્સવનો સમન્વય
Gujarat Sthapana Diwas : ગુજરાત સ્થાપના દિવસ ૨૦૨૬ ની ઉજવણી, ઔદ્યોગિક વિકાસના નવા ઉત્સાહ સાથે! સુરતમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' ના મુખ્ય આકર્ષણો જાણો, જેમાં વૈશ્વિક ભાગીદારી, નવી GIDC ની જાહેરાતો અને ડુમસ સી-ફ્રન્ટ ખાતે યોજાનારી ભવ્ય સાંસ્કૃતિક પરેડનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી આ વર્ષે દક્ષિણ ગુજરાત માટે રોકાણ અને રોજગારીની નવી તકો લઈને આવી રહી છે. આગામી ૧ અને ૨ મે દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) ની ત્રીજી આવૃત્તિ યોજાશે. આ કોન્ફરન્સ માત્ર સુરત જ નહીં, પરંતુ ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
Gujarat Sthapana Diwas: વૈશ્વિક ભાગીદારી અને રાજદ્વારીઓની હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં જાપાન, સિંગાપોર, યુક્રેન અને રવાન્ડા જેવા દેશો ભાગીદાર (Partner Countries) તરીકે જોડાયા છે. આ પ્રસંગે વિદેશી રાજદૂતો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે JETRO અને USISPF ની ઉપસ્થિતિ ગુજરાતના વૈશ્વિક વ્યાપારિક સંબંધોને નવી મજબૂતી આપશે. નોંધનીય છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા 'સુરત કટ ડાયમંડ() - GI ટેગ' પર એક વિશેષ કવર પણ લોન્ચ કરવામાં આવશે.
Gujarat Sthapana Diwas: બે દિવસીય જ્ઞાન અને તકોનું ભાથું
કોન્ફરન્સ દરમિયાન વિવિધ ક્ષેત્રીય સેમિનાર અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે:
પ્રથમ દિવસ: કૃષિ, ટેક્સ્ટીલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે જ જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર વિશેષ સત્રો યોજાશે.
બીજો દિવસ: MSME કોન્ક્લેવ, જેમ્સ એન્ડ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોટુરિઝમ(Eco Tourism) અને એરોસ્પેસ જેવા ભાવિ ઉદ્યોગો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
નવી GIDC અને વ્યૂહાત્મક MoU
દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક માળખાને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ મંચ પરથી નવી અને સ્માર્ટ GIDC એસ્ટેટની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, અનેક વ્યૂહાત્મક MoU (સમજૂતી પત્રો) પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા છે, જે લાંબા ગાળે પ્રદેશમાં મોટા પાયે રોકાણ આકર્ષશે.
સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી
1 મેના રોજ સ્થાપના દિવસ નિમિત્તે સુરતના રાજમાર્ગો પર ભવ્યતા જોવા મળશે. Y-જંકશનથી ડુમસ સી-ફ્રન્ટ સુધી વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો સાથેની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સુરતવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આજે જ્યારે આપણે ગુજરાત ગૌરવ દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે એ માત્ર ભૂતકાળના સંસ્મરણોની ગાથા નથી, પણ ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ પણ છે. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઉદ્યોગ જગતમાં ડંકો વગાડતું અને પોતાની લોકકલા-સંસ્કૃતિથી વિશ્વને ઘેલું કરતું આપણું રાજ્ય 'વિકસિત ભારત @ 2047'(Viksit Bharat@2047)ના વિઝનમાં અગ્રેસર રહેવા સજ્જ છે. આવો, ગરવી ગુજરાતના આ સ્થાપના પર્વે આપણે સૌ સાથે મળીને શપથ લઈએ કે આપણી મહેનત, મર્યાદા અને મોભાદાર સંસ્કારોથી આ રાજ્યની કીર્તિને સૂર્ય સમાન તેજસ્વી બનાવીશું. અંતે તો કવિ નર્મદના શબ્દોમાં જ હૈયું હરખાય છે કે – 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત!
આ પણ વાંચો : VGRC 2026 : ચીકુ ઉત્પાદનનું હબ બનતું દક્ષિણ ગુજરાત


