Gujarat News Today: આજે 29 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today : ગુજરાતમાં કાળઝાળ ગરમી અને હીટવેવની (Heatwave) સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, CHC અને PHC ખાતે પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો અને સ્પેશિયલ બેડ અનામત રાખવા આદેશ અપાયા છે. આ ભીષણ ગરમી વચ્ચે જ આજે ગાંધીનગરમાં શિક્ષણ જગતનો રોષ જોવા મળશે. સરકારી ઇજનેરી કોલેજોના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા, આજે બપોરે 3 વાગ્યે CTE ઓફિસ ખાતે અધ્યાપકો કાળા વસ્ત્રો પહેરી અને કાળા વાવટા સાથે પ્રતીકાત્મક વિરોધ (Protest) પ્રદર્શન કરશે. આ ઉપરાંત વસ્તી ગણતરીની (Census) કામગીરીમાં જોડાવા સામે પણ અધ્યાપક મંડળે નારાજગી વ્યક્ત કરી છે.
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રના સમાચાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે TATA IPL 2026 નો હાઈવોલ્ટેજ જંગ ખેલાશે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની આ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ છે. આ સાથે જ, મુંબઈની ફાલ્ગુની લિમિટેડ દ્વારા દેશમાં પ્રથમ વખત યોજાનારી F1 કાર રેસિંગ (F1 Car Racing) અંગેની વિગતો આપવા આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર હાજર રહેશે. શિક્ષણ વિભાગે પણ નવા શૈક્ષણિક સત્ર પૂર્વે 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોના સર્વેની કામગીરી આજે તેજ કરી છે, જેથી નવી શિક્ષણ નીતિ (New Education Policy) મુજબ યોગ્ય પ્રવેશ આપી શકાય.
રાજકીય જશ્ન અને વહીવટી એક્શન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ આજે વિજય ઉત્સવ મનાવી રહ્યું છે. રાજકોટ (Rajkot) મનપામાં 72 માંથી 65 બેઠકો જીત્યા બાદ આજે સાંજે 5 વાગ્યે શહેરમાં વિશાળ વિજય રેલી યોજાશે. મહેસાણામાં પણ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) હાજરીમાં નવનિયુક્ત સદસ્યોનો અભિવાદન સમારોહ અને ભોજન સમારંભ યોજાશે. બીજી તરફ, યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્રનું બુલડોઝર આજે ફરી એક્શનમાં આવશે. ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવાની ત્રણ દિવસીય મેગા ડ્રાઈવનો (Mega Drive) આજે પ્રારંભ થઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ કચરા ગાડીઓ પર ‘જય ગિરનાર’ લખવા બાબતે ચાલી રહેલો વિવાદ આજે કમિશનર સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો :Aaj Nu Rashifal : આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, તો કોને થશે નુકસાન?


