Gujarat Top News : આજે 26 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat Top News : રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 9,263 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. આ જંગમાં કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, મતદાન શરૂ થાય તે પહેલા જ વિવિધ સ્તરે 736 બેઠકો બિનહરીફ (Uncontested Seats) જાહેર થઈ ચૂકી છે. આજે કુલ 4,08,16,713 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાત્ર છે.
ચૂંટણી તંત્રની સજ્જતા અને સુરક્ષા
ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 48,450 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 14,275 મતદાન મથકોને સંવેદનશીલ (Sensitive Polling Stations) અને 2,196 મથકોને અતિ સંવેદનશીલની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે 92,583 પોલીસ કર્મચારીઓ, 59,525 હોમગાર્ડ અને જીઆરડી જવાનો તેમજ વધારાની 41,383 જવાનોની ફોર્સ ડિપ્લોય કરવામાં આવી છે. મતદાન માટે 1,22,951 બીયુ (BU) અને 1,08,188 સીયુ (CU) મશીનો કાર્યરત છે.
દિગ્ગજ નેતાઓનું મતદાન
રાજ્યના દિગ્ગજ નેતાઓ વહેલી સવારથી જ મતદાન (Voting) કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 8 વાગ્યે સુરતના પીપલોદ ખાતે મતદાન કરશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સવારે 9 વાગે ભટાર ખાતે મતાધિકારનો ઉપયોગ કરશે. નવસારીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને ખેડાના નડિયાદમાં દેવુસિંહ ચૌહાણ તથા અજય બ્રહ્મભટ્ટ મતદાન કરશે. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા અને મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા પણ પોતપોતાના મથકો પર હાજર રહી મતદાન કરશે.
વહીવટી વ્યવસ્થા અને ગરમીનો પડકાર
કાળઝાળ ઉનાળાને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર શેડ, પીવાનું શુદ્ધ પાણી, ઓઆરએસ (ORS) પેકેટ અને પ્રાથમિક સારવારની કિટ રાખવામાં આવી છે. અશક્ત અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો, જિલ્લા પંચાયતની 25, તાલુકા પંચાયતની 70 અને નગરપાલિકાની 68 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા દરેક કલાકે મતદાનના આંકડા જાહેર કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : Aaj nu Rashifal: રવિવારનો દિવસ આ રાશિના જાતકો માટે લાવશે મોટી સફળતા; જાણો કેવો રહેશે દિવસ?


