ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે! હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની મોટી આગાહી
- રાજ્યમાં વાદળો હટતા હાડ થીજાવતી ઠંડી પડશે
- હજુ 2થી 3 દિવસ રાજ્યમાં કડક ઠંડી યથાવત
- બનાસકાંઠાના દાંતીવાડા, ડિસા, પાલનપુરમાં લઘુત્તમ 4 ડિગ્રી
- પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટશે
- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ
Ambalal Patel: ગુજરાતમાં કડકડાતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યમાં આકાશમાંથી વાદળો હટતાની સાથે જ પારો ગગડ્યો છે અને આગામી ૨ થી ૩ દિવસ હજુ પણ કડક ઠંડી યથાવત રહેશે.
હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે. બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં તાપમાન 4 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે, જ્યારે પાટણ, મહેસાણા અને કચ્છમાં પારો 8 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ વધવાને કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે.
27-28 જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપના કારણ ઠંડી ઘટશે
જોકે, 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થતા ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ તેની સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેની અસર હેઠળ ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું અથવા હળવા વરસાદી છાંટા પડી શકે છે.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે
ચિંતાની વાત એ છે કે, આ રાહત લાંબી નહીં ટકે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા છે. પવન અને ભેજવાળા વાતાવરણને કારણે ખેતીના પાક પર પણ તેની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Bagdana Case: Navnit Baladhiya કેસમાં હવે કોળી સમાજ આક્રમક


