GUJCOST Summer Science Camp : વેકેશનમાં વેકેશન નહીં, વિજ્ઞાનનો રોમાંચ
- GUJCOST Summer Science Camp : વિદ્યાર્થીઓ માટે વેકેશન બનશે વિજ્ઞાનનો ઉત્સવ! GUJCOST આયોજિત સમર સાયન્સ કેમ્પ 2026 માં જોડાઓ. AI અને રોબોટિક્સ જેવા આધુનિક વિષયો શીખવાની સાથે મેળવો નમો સરસ્વતી અને જ્ઞાન સાધના જેવી સરકારી સ્કોલરશીપ યોજનાઓનું માર્ગદર્શન.
GUJCOST Summer Science Camp : ઉનાળાનું વેકેશન એટલે માત્ર રમતગમત અને પ્રવાસ નહીં, પણ હવે જ્ઞાન અને ગમ્મતનો સમન્વય. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત 'ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી' (GUJCOST) દ્વારા રાજ્યના ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આગામી 1 મે થી 30 મે, 2026 દરમિયાન રાજ્યના ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) ખાતે 3 દિવસીય રેસિડેન્શિયલ 'સમર સાયન્સ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.
GUJCOST Summer Science Camp : નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવવાનો ઉદ્દેશ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ના મંત્રને સાર્થક કરવા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ટેક્નોલોજીનું હબ બનાવવાના લક્ષ્ય સાથે આ કેમ્પની રૂપરેખા તૈયાર કરાઈ છે. પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતેના સાયન્સ સેન્ટરોમાં યોજાનારા આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી ભવિષ્યના કુશળ તકનીકી કાર્યબળનો હિસ્સો બને તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
GUJCOST Summer Science Camp : કેમ્પના આકર્ષણ: પાંચ રોમાંચક થીમ અને પ્રવૃત્તિઓ
આ કેમ્પમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ વ્યવહારુ અનુભવ મળે તે માટે પાંચ મુખ્ય થીમ નિર્ધારિત કરવામાં આવી છે: ૧. વૈજ્ઞાનિક કેવી રીતે બનવું? ૨. સ્પેસ (અવકાશ) વિજ્ઞાન ૩. મરીન બાયોલોજી અને મશીન એન્જિનિયરિંગ ૪. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટિક્સ ૫. એક્સપ્લોરિંગ નેચર (પ્રકૃતિનું અન્વેષણ)
વિદ્યાર્થીઓ માટે રાત્રિ આકાશ નિરીક્ષણ (Night Sky Observation), સાયન્સ ક્વિઝ-Science Quiz, રોબોટિક્સ-Robotics પ્રયોગો અને ફિલ્ડ વિઝિટ જેવી પ્રવૃત્તિઓ આ કેમ્પનું મુખ્ય આકર્ષણ રહેશે. દરેક બેચમાં માત્ર 50 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે, જેથી વ્યક્તિગત માર્ગદર્શન મળી રહે.
સરકારી યોજનાઓ અને સ્કોલરશીપનું માર્ગદર્શન
આ કેમ્પ માત્ર પ્રયોગો પૂરતો મર્યાદિત નથી. અહીં વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને જ્ઞાનસેતુ યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ યોજનાઓનો લાભ લઈને તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સહાય સાથે વિજ્ઞાન પ્રવાહમાં પોતાની કારકિર્દી બનાવી શકશે.
GUJCOST ની આ પહેલથી રાજ્યના બાળકોમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) પ્રત્યે જિજ્ઞાસા વધશે. 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ હોવાથી, ઉત્સુક વાલીઓ અને વિદ્યાર્થીઓએ નજીકના રીજનલ સાયન્સ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે. વેકેશનના આ દિવસો ગુજરાતના ભાવિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે એક મજબૂત પાયો સાબિત થશે.
આ પણ વાંચો : VGRC 2026 : ચીકુ ઉત્પાદનનું હબ બનતું દક્ષિણ ગુજરાત


