Healthcare with Humanity : ગુજરાત બન્યું ગ્લોબલ હેલ્થકેર હબ
Healthcare with Humanity : ગુજરાત સરકાર દ્વારા 'Healthcare with Humanity' અભિગમ હેઠળ હૃદય રોગની સારવારનું વિસ્તરણ. UN Mehta Institute દ્વારા 8,504 સફળ ઓપરેશન અને 3.94 લાખ OPD નો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો ચ્હે. સુરત, ભાવનગર, પોરબંદર અને સોલામાં નવા કાર્ડિયાક સેન્ટર્સની સમીક્ષા કરવા મહત્વની બેઠક યોજાઇ,
ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે જ અત્યાધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)ના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે અનેક જનહિતલક્ષી નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ જ કડી અંતર્ગત, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા(Praful Pansheriya)ની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં કાર્ડિયાક (હૃદય રોગ) સેવાઓના વિસ્તરણ અંગે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વની બેઠકમાં "Healthcare with Humanity" (માનવતા સાથે સ્વાસ્થ્ય સેવા) ના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Healthcare with Humanity : યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટની અભૂતપૂર્વ કામગીરી
બેઠક દરમિયાન આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને જનકેન્દ્રિત બનાવવાના સરકારના અને તબીબોના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષ 2025 દરમિયાન યુ.એન. મહેતા કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રેકોર્ડબ્રેક અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
આ સંસ્થાએ વર્ષ દરમિયાન સરેરાશ 3.94 લાખથી વધુ દર્દીઓની ઓપીડી (OPD) તપાસ કરી છે, તેમજ 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપીડી (IPD) અંતર્ગત શ્રેષ્ઠ ઇન્ડોર સારવાર પૂરી પાડી છે. આ ઉપરાંત, સંસ્થાના કુશળ તબીબો દ્વારા 8,504 જેટલા સફળ હૃદયના ઓપરેશન (Cardiac surgery) કરીને નાગરિકોને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.
Healthcare with Humanity : નવા સેટેલાઈટ સેન્ટર્સની પ્રગતિની સમીક્ષા
રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી હૃદય રોગની અત્યાધુનિક સારવાર પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ રાજ્યમાં આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ કાર્યરત થનારા યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના નવા સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ સેન્ટરો નીચે મુજબના સ્થળોએ આકાર લઈ રહ્યા છે:
પોરબંદર સેટેલાઈટ સેન્ટર
ભાવનગર સેટેલાઈટ સેન્ટર
સુરત સેટેલાઈટ સેન્ટર
સોલા - અમદાવાદ સેટેલાઈટ સેન્ટર
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ તમામ સેન્ટરોના બાંધકામ તેમજ અન્ય આનુષંગિક કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો અને મહત્વના સૂચનો આપ્યા હતા. આ સાથે જ, હાલમાં કાર્યરત એવા ગાંધીનગર અને રાજકોટના સેન્ટરોની કામગીરી તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું પણ મંત્રી દ્વારા સવિસ્તાર આકલન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વૈશ્વિક હેલ્થકેર હબ તરીકે ઉભરી રહ્યું છે
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે માત્ર રાજ્યના નાગરિકો માટે જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા દર્દીઓ માટે પણ એક અત્યંત વિશ્વસનીય અને આધુનિક 'હેલ્થકેર હબ' તરીકે વૈશ્વિક પટલ પર ઊભરી રહ્યું છે.
રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને મોંઘી ગણાતી હૃદય રોગની સારવાર સંપૂર્ણપણે ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક ટેકનોલોજી સાથે મળી રહે. આ સારવાર માત્ર તબીબી પ્રક્રિયા ન બની રહેતા, તેમાં માનવીય સંવેદનાનો સ્પર્શ (Healthcare with Humanity) ભળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને તે દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.
આ પણ વાંચો " World Bicycle Day : સાયકલ-માત્ર વાહન નહીં, આજના યુગની અનિવાર્ય જરૂરિયાત


