NDRF-SDRF ટીમો તૈનાત
ગુજરાતમાં ચોમાસાએ હવે વેગ પકડતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ(Valsad) જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ-Sardar Sarovar Damમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ડેમનો જળસંગ્રહ કુલ ક્ષમતાના આશરે ૬૫ ટકા સુધી પહોંચી ગયો છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૧૧ ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે સંભવિત કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની કુલ ૩૬ ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના પારડી અને ઉમરગામ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના કામરેજ તથા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં આજે સવારે ૬ વાગ્યા સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા નોંધાયો છે. તેમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વધુ 26.79 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
સવારે 8 વાગ્યા સુધી સરદાર સરોવર (નર્મદા) ડેમમાં 2.17 લાખ MCFT પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના લગભગ 65 ટકા જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો પણ સરેરાશ 40.01 ટકા સુધી ભરાઈ ગયા છે. હાલ રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગની સ્થિતિમાં છે.
ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ૧,૫૨૮ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 134 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સંભવિત પૂર અને અન્ય વરસાદી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી હોવાનું SEOCએ જણાવ્યું છે.
આ પણ વાંચો : Surat Rain : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન