MSP Registration : વર્ષ 2026-27 માટે ચણા-રાઈની ટેકાના ભાવે ખરીદીનું એલાન
MSP Registration : ગુજરાત સરકાર 2026-27 માટે MSP પર ચણા અને સરસવ ખરીદશે. ખેડૂતો 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 સુધી ઇ-સમૃદ્ધિ પોર્ટલ-E-Samridhi Portal દ્વારા ઇ-ગ્રામ કેન્દ્રો પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે.
ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના આર્થિક ઉત્થાન અને તેમના પરસેવાના સાચા મૂલ્ય માટે કટિબદ્ધ રહી છે. ખેડૂતોને જગતનો તાત ગણી, તેમના પાકને કુદરતી કે બજારના જોખમો સામે રક્ષણ આપવા સરકાર મક્કમ ડગલાં ભરી રહી છે. આ જ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
MSP Registration : નોંધણીની પ્રક્રિયા અને સમયમર્યાદા
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી-Agriculture Minister Jitubhai Vaghani એ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે.
નોંધણીનો સમયગાળો: ૧૩ ફેબ્રુઆરી થી ૦૫ માર્ચ, ૨૦૨૬.
સ્થળ: ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો.
પોર્ટલ: “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર આધાર ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી થશે.
ખર્ચ: આ નોંધણી VCE દ્વારા તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
ટેકાના ભાવની વિગતો
ભારત સરકાર દ્વારા રવિ પાકોના વાવેતર પૂર્વે જ જાહેર કરાયેલા પોષણક્ષમ ભાવ મુજબ ખરીદી કરવામાં આવશે:
| પાકનું નામ | પ્રતિ ક્વિન્ટલ ભાવ (રૂ.) | પ્રતિ મણ ભાવ (રૂ.) |
| ચણા | રૂ. 5875 | રૂ. 1,175 |
| રાઈ | રૂ.6,200 | રૂ. 1,240 |
MSP Registration : પી.એસ.એસ. હેઠળ આયોજનબદ્ધ ખરીદી
આ ખરીદી ભારત સરકારના 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન' (P.S.S.) અંતર્ગત કરવામાં આવશે. રાજ્યમાં થયેલા કુલ વાવેતર અને અંદાજિત ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ખરીદવાનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ ખેડૂત પોતાની ઉપજ વેચવાથી વંચિત ન રહી જાય.
સરકારનો આ નિર્ણય સાબિત કરે છે કે તે માત્ર વાતોમાં જ નહીં પણ મક્કમ અમલીકરણમાં માને છે. ટેકાના ભાવે ખરીદી કરવાથી બજારમાં ભાવ ઘટવાની સ્થિતિમાં પણ ખેડૂતોને આર્થિક રક્ષણ મળશે. કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ ચણા અને રાઈ પકવતા ખેડૂતોને વિનંતી કરી છે કે તેઓ સમયસર નોંધણી કરાવી સરકારની આ પારદર્શક અને ખેડૂતલક્ષી વ્યવસ્થાનો મહત્તમ લાભ ઉઠાવે અને સમૃદ્ધ બને.
આ પણ વાંચો :Cabinet Meeting : આવતીકાલે નહીં મળે કેબિનેટની બેઠક, કારણ આવ્યું સામે?


