ONGC Plant Fire:ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામની સીમમાં આવેલા જાણીતા ONGC પ્લાન્ટમાં અચાનક આગ લાગવાની એક મોટી ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. પ્લાન્ટમાંથી અચાનક કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ આકાશમાં વાદળોની જેમ છવાઈ જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ
ઉલ્લેખનીય છે કે આગની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને કલોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતત પાણીનો છંટકાવ કરીને આગને વધુ વિસ્તરતી અટકાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આગ લાગવાનું કારણ અકબંધ
સદનસીબે આ અકસ્માતમાં હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેના કારણે તંત્રએ અને સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઔદ્યોગિક એકમમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અંકબંધ છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે. સ્થાનિક પોલીસ અને ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Vadodara Accident News : લાલબાગ બ્રિજ પાસે કાર અને VMC ટ્રેક્ટર વચ્ચે ટક્કર, એરબેગ ખુલી જતાં કારચાલકનો બચાવ