Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Milap: ગુજરાત પોલીસની સફળતા, 15 દિવસમાં 701 ગુમ વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું

ગુજરાત પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોની શોધખોળ માટે શરૂ કરેલા ‘ઓપરેશન મિલાપ’ (Operation Milap) અંતર્ગત માત્ર બે સપ્તાહમાં 701 લોકોને શોધી કાઢ્યા છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસે આધુનિક ટેકનોલોજી અને જૂની ફાઇલોની પુનઃ તપાસ દ્વારા આ મોટી સફળતા મેળવી છે, જેમાં સગીરો અને મહિલાઓની સંખ્યા વધુ છે.
operation milap  ગુજરાત પોલીસની સફળતા  15 દિવસમાં 701 ગુમ વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું
Advertisement
  • Operation Milap: ગુજરાત પોલીસના પ્રયાસોથી 701 ગુમ વ્યક્તિઓ પરિવારને મળી
  • 15 દિવસની સઘન તપાસમાં અનેક પરિવારોનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું
  • ટેકનોલોજી અને માનવ સંવેદનાના સમન્વયથી પોલીસે કરી અદભૂત કામગીરી
  • ગુમ થયેલા સ્વજનોની શોધખોળ માટે રાજ્યભરમાં પોલીસનું વિશેષ અભિયાન સફળ
  • પોલીસની નવી SOP અને ડિજિટલ તપાસે બદલી ગુમ થયેલા લોકોની શોધની દિશા

Operation Milap: ગુજરાતભરમાં કેટલાય પરિવારો ખોયાઇ ગયેલા સ્વજનની ભાળ મળે તેની રાહ જોઇને બેઠા છે તેમના ચહેરા પર હવે સ્મિત રેલાયુ છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર બે અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશન મિલાપને કારણે, કોઈ ગુમ થયેલી દીકરી ઘરે પરત ફરી છે તો કોઈ માતા પોતાના સંતાન સાથે વર્ષો પછી ફરી મળી છે. કોઈ પરિવારે દાયકાઓ પહેલાં સ્વજનને મળવાની આશા છોડી દીધી હતી, તેને આખરે પોતાના પ્રિયજન ક્યાં રહે છે તેની માહિતી મળી છે.

7 મે થી 21 મે દરમિયાન 701 લોકોને શોધી કાઢ્યા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) એ જણાવ્યું કે, “ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ છે. પોલીસને આ માટે જરૂરી તમામ સંશાધનો ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા કરી છે. અભિયાનની સફળતા એ છે કે, રાજ્યભરના પોલીસ સ્ટેશનો દ્વારા 7 મે થી 21 મે દરમિયાન કુલ 701 લોકોનો શોધી કાઢવામાં આવ્યા છે. તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું છે,’’.

Advertisement

2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ ગુમ કેસ

આ અભિયાન ગુજરાત પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ (DGP Dr. K.L.N. Rao) ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરાયેલા આ વિશેષ અભિયાન હેઠળ ગુજરાતના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોનાં કેસોને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઉંડાણપૂર્વક રીતે તપાસ કરવા સૂચના આપી છે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે.

Advertisement

આ રીતે શોધવામાં આવે છે લોકોને

‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પોલીસ ટીમો હવે જૂની ફાઇલો ફરી તપાસી રહી છે, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે અને વર્ષોથી પોતાના સગાંઓને શોધતા પરિવારોનો ફરી સંપર્ક કરી રહી છે. CID ક્રાઇમ અને રેલવે (મહિલા સેલ) ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ ઓપરેશન આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ખોવાયેલા માણસોને શોધવામાં આવે છે. પોલીસ અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ સઘન પ્રયાસોને કારણે વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં અમને સફળતા મળી રહી છે.”

આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકોને શોધવા પૂરતું નથી પણ...

છેલ્લા બે અઠવાડિયામાં મળી આવેલા 701 લોકોમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે, આ અભિયાન હજુ ચાલુ રહેશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકો શોધવા પૂરતું મર્યાદિત નથી. તપાસ દરમિયાન માનવ તસ્કરી કરતી ગેંગ, બાળ તસ્કરી તથા નવજાત બાળકોની વેચાણ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો એક મક્કમ પ્રયાસ છે.

દસ વર્ષથી ગુમ મહિલા તેના બાળક સાથે મળી

ઓપરેશન મિલાપ અંતર્ગત દસ વર્ષથી ગુમ મહિલા તેના બાળક સાથે મળી આવી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની 23 વર્ષીય પરિણીત મહિલા 2016માં પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તે પિયર ગઈ હતી અને પછી પરત ફરી નહોતી. દસ વર્ષ પછી ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પોલીસે ફરી આ કેસની તપાસ શરૂ કરી અને તપાસ માટે પોલીસે પરિવારજનોનો ફરી સંપર્ક કર્યો. ગુમ થયેલી મહિલાના પતિએ જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તેની પત્નીને સોશિયલ મીડિયા પર જોઈ હતી.

તપાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત

આ માહિતી પછી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તપાસ કરી અને જાણવા મળ્યું કે મહિલા હાલમાં રાજકોટમાં બીજા પતિ સાથે રહે છે અને ગરબા ક્લાસ ચલાવે છે. જે પુત્ર બાળપણમાં તેની સાથે ગુમ થયો હતો, તે હવે 15 વર્ષનો છે. ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવ્યું કે, મહિલાએ પારિવારિક વિવાદોને કારણે પોતાના પતિને છોડી દીધો હતો અને 2016માં ફરી લગ્ન કરી રાજકોટ રહેવા લાગી હતી. પોલીસ અધિકારીઓ કહે છે કે આવા કેસો ખોવાયેલી વ્યક્તિ પાછળ માનવ જીવનની જટિલ પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ગુમ થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે — પારિવારિક ઝઘડા, વૈવાહિક મતભેદ, પરીક્ષાનો તણાવ, નિષ્ફળ પ્રેમ-સંબંધો, આર્થિક મુશ્કેલીઓ અને ગુનાહિત શોષણ.”

પોલીસની 15 પોઇન્ટની SOP

ખોવાયેલા લોકોને શોધવા માટે ગુજરાત પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને 15 મુદ્દાવાળી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ મોકલી છે. આ SOPમાં કેસ ફાઇલો ફરી ખોલવી, ફરિયાદીનો સંપર્ક કરવો, ડિજિટલ અને ટેકનિકલ પુરાવાનો અભ્યાસ કરવો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ ટ્રેક કરવી, પરિવહન કેન્દ્રો અને આશ્રયસ્થાનોની તપાસ કરવી, જાહેર સ્થળોની મુલાકાતો લેવી અને શંકાસ્પદ માનવ તસ્કરો તથા વારંવાર ગુના કરનારાઓની પૂછપરછ કરવાનો સમાવેશ થાય છે.

પોલીસ અધિકારીઓને ગુમ થયેલા લોકોના મોબાઇલ ફોનને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હેઠળ રાખવા, છેલ્લું સક્રિય સ્થાન ટ્રેક કરવા અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તપાસકર્તાઓ સરકારી હોસ્પિટલોની પોસ્ટમોર્ટમ રૂમની પણ તપાસ કરી રહ્યા છે, અજાણી લાશોના ફોટોગ્રાફ્સને ગુમ થયેલા લોકોના રેકોર્ડ સાથે મેચ કરી રહ્યા છે અને અપહરણ તથા માનવ તસ્કરીના કેસોમાં અગાઉ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં ગુમ થયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને કિશોર-કિશોરીઓ પણ છે. ગુજરાત પોલીસ આ વાતને ગંભીરતાથી લઇ રહી છે. ગુજરાત પોલીસ માટે ‘ઓપરેશન મિલાપ’ માત્ર એક પોલીસ અભિયાન નથી. અનેક પરિવારો માટે આ લાંબા સમયથી રાહ જોવાતું પુનર્મિલન છે.

આ પણ વાંચોઃ Ahmedabad: 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નો એક્ટર નીકળ્યો કાતિલ! 12 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરી છુપાવી ઓળખ

Tags :
Advertisement

.

×