Sabardairy : સાબરદાણ ફેકટરીમાં 'રાજ' કોનું ? ડિરેક્ટર, પદાધિકારીઓની મિલીભગતથી એક પરિવારે પ્રભુત્વ જમાવ્યાનો આરોપ
- સાબરદાણ ફેક્ટરીમાં વર્ષોથી એક જ પરિવારનાં પ્રભુત્વનો આરોપ!
- પરિવાર સાથે કેટલાક ડિરેક્ટરો, પદાધિકારીઓની મિલીભગતનાં આરોપ
- વર્ષોથી બારદન અને અન્ય ચીજો પુરી પાડતાં ઇજારદારનો વટ કોના ઇશારે ?
- આ ઇજારદારે ધંધાનો પથારો વિસ્તારી હિંમતનગરમાં અનેક ગોડાઉનો બનાવી દીધા!
- તપાસ થાય તો મોટા નામ અને વ્યાપ ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારા ખુલાસા થવાની વકી
સાબરડેરી સંચાલિત સાબરદાણ ફેકટરીમાં છેલ્લા અનેક વર્ષોથી મૂળ પરપ્રાંતિય અને હાલ સાબરકાંઠાનાં હિંમતનગરને વતન બનાવી ધંધા-રોજગાર કરતાં એક પરિવાર દ્વારા મલાઇ જેવી કમાણી કરવા માટે તત્કાલિન સમયે સાબરકાંઠા સહિત ગુજરાતનાં સહકારી રાજકારણ પર નજર કરી હતી અને જયાં આ પરિવારે સહકારી રાજકારણી દાનત ઓળખી ગયા બાદ તેમની સાથે ઘરેબો કેળવી લઈ ધંધામાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
સાબરદાણ ફેક્ટરીમાં વર્ષોથી એક જ પરિવારનાં પ્રભુત્વનો આરોપ!
સમય જતાં આ ઇજારદાર પરિવારે સાબરડેરીનાં ભૂતકાળ અને વર્તમાન સમયમાં હોદ્દાઓ ભોગવતા સહકારી અગ્રણીઓને યેનકેન પ્રકારે લાલચ આપીને પોતાના તરફી કરી લઈ અને જરૂર પડે દૂધ ઉત્પાદકો થકી થયેલી કમાણીમાંથી નવા ધંધા વિકસાવીને આ ડિરેક્ટરોને ભાગીદાર બનાવી દીધા પછી સાબરદાણ ફેક્ટરીમાં પ્રભુત્વ જમાવી દીધા હોવાની પણ ચર્ચાઓ વેગવંતી થઈ છે. બીજી તરફ આ અંગે જિલ્લા સહકારી અને પક્ષીય રાજકારણીઓ બધુ જાણતા હોવા છતાં તેઓ મૌન ધારણ કરી રહ્યા હોવાને કારણે આ પરપ્રાંતિય પરિવારે સાબરડેરી નહીં પણ ગુજરાતની અન્ય ડેરીઓમાં પણ પગપેસારો કર્યા હોવાનાં પણ આરોપ થયા છે.
આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?
પરિવાર સાથે કેટલાક ડિરેક્ટરો, પદાધિકારીઓની મિલીભગતનાં આક્ષેપ
આરોપ છે કે, સાબરડેરી દ્વારા સંચાલિત હાજીપુર સ્થિત સાબરદાણ ફેકટરીમાં વિવિધ પ્લાન્ટોમાંથી રોજબરોજ હજારો ટન સાબરદાણ તૈયાર કરીને શણનાં થેલામાં પેક કરી કેટલાક ડિરેક્ટરો અને તેમના સગા-વ્હાલાઓને અપાયેલા ટ્રાન્સપોર્ટનાં ટ્રકો મારફતે વિવિધ ડેરીઓમાં સાબરદાણ મોકલવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં પણ ટ્રકનું ભાડું અને સ્થાનિક ડેરીમાં સાબરદાણનાં થેલા ઉતારવા માટે મજૂરો પણ ટ્રકની સાથે મોકલવામાં આવે છે, જયાં સ્થાનિક ડેરીને તે મજૂરી અથવા ભાડાપેટે કોઇ રકમ આપવાની રહેતી નથી. તો સમજાતું નથી કે, સાબરડેરીનાં સંચાલકોએ આવી વ્યવસ્થા કોના કહેવાથી અને કેવી રીતે ગોઠવી હશે ? તે તપાસનો વિષય છે. એટલું જ નહીં પણ સાબરદાણમાં આધિપત્ય ધરાવતા આ ઇજારદારે સાબરડેરીનાં કેટલાક પદાધિકારીઓ સાથે રહીને ગોડાઉનોમાં ભાગીદારી કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે તે બાબતે તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેવું છે. પરંતુ, 'ખાટલે મોટી ખોડ' એ છે કે તપાસ કરવાની અને કાર્યવાહી કરવાની જેમની પાસે સત્તા છે તે અધિકારીઓ પણ ફૂટી ગયા હોય તેમ કોઇ કાર્યવાહી કરતા નથી અને જો કરે છે તો ખાલી દેખાવની હોય છે, તેવું ભૂતકાળમાં અનેક વખત બની ચૂકયું હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ
અગાઉથી સેટિંગ કરી દેતા હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી!
એવા પણ આરોપ છે કે, સાબરડેરી અને સાબરદાણનાં વહીવટ પર સરકાર તથા વિવિધ સંલગ્ન વિભાગની તપાસ કરવાની અને જરૂર પડે કાર્યવાહી કરવાની સત્તા હોવા છતાં સહકારી અગ્રણીઓ ભરતી, ઓડિટ તથા હિસાબો મંજૂર કરાવવા માટે અગાઉથી સેટિંગ કરી દેતાં હોવાને કારણે તથા ઓડિટરો પણ તેમના ઓડિટ રિપોર્ટમાં વાંધો લખતા નથી, જેના લીધે સાબરદાણ ફેક્ટરી તથા સાબરડેરીનાં ભાવિ પર પ્રશ્નાર્થ મુકાઇ જશે તેવું સાબરકાંઠા અને અરવલ્લીનાં કેટલાક સહકારી અગ્રણીઓનું માનવું છે. ભૂતકાળમાં જયારે પણ વાર્ષિક સાધારણ સભા યોજાય છે ત્યારે તેમાં ડિરેક્ટરોની ગોઠવણ અને કેટલાક માનીતા દૂધ મંડળીઓનાં ચેરમેનોની ઉપસ્થિતમાં મિનિટોમાં સાબરડેરીનાં વાર્ષિક હિસાબોને મંજૂર કરી દેવામાં આવે છે. પરંતુ, કોઇ વાંધો કે વિરોધ કરાતો નથી અને જો કરવામાં આવે તો વિરોધ કરનારને હોંશીયામાં ધકેલી દેવાની હિલચાલ પાછલા બારણે શરૂ કરી દેવામાં આવે છે. તેવું પણ અગ્રણીઓએ જણાવ્યું છે.
સાબરદાણની જે ગુણવત્તા હતી તે હવે ભ્રષ્ટાચારને લીધે ઘટી રહી છે : દૂધ ઉત્પાદકો
કેટલાક દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે, વર્ષો અગાઉ સાબરદાણની જે ગુણવત્તા હતી તેમાં હવે ભ્રષ્ટાચારને લીધે ઘટી રહી છે. જયારે, પણ હિસાબો રજૂ કરવામાં આવે ત્યારે ડિરેક્ટરો અને સાબરડેરીનાં ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં પદ અને નોકરી જોખમમાં મૂકાય નહીં તે માટે ચૂપ બની જાય છે. પરંતુ, રાત-દિવસ કાળી મજૂરી કરતા દૂધ ઉત્પાદકો જયારે પણ રોષે ભરાઇને વિરોધ કરશે ત્યારે શું થશે તેની કલ્પના કરવી મુશ્કેલી છે. ભૂતકાળમાં એક સહકારી અગ્રણી અને તત્કાલિન સાબરડેરીનાં ચેરમેને સાબરડેરી કેમ્પસમાં એક રાષ્ટ્રીય નેતાનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે ચંપલો ફેંકાયા હતા. તે ઘટનાને આજે પણ લોકો યાદ કરે છે, જેનું પુનરાવર્તન ભવિષ્યમાં થાય તો નવાઇ પામવા જેવું નથી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ