Sugam Digital Gujarat : આજના આધુનિક યુગમાં સરકારી સેવાઓ વધુને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બની રહી છે. ગુજરાત સરકાર-Government of Gujarat દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વેગ આપીને લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેને સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
વિકસતી જાતિ કલ્યાણ નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના સીધા માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr. Pradyuman Vaja)તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ(Dr. Manishaben Vakil)ના નેતૃત્વ હેઠળ 'સુગમ ડિજિટલ ગુજરાત' અંતર્ગત વિવિધ સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે છેલ્લા ચાર જ મહિનામાં રાજ્યના ૧ લાખથી વધુ નાગરિકોએ ઘરેબેઠા સફળતાપૂર્વક ઓનલાઈન પ્રમાણપત્રો મેળવ્યા છે.
હવેથી રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુ યુવાનો, કુલ ૦૭ (સાત) પ્રકારના મહત્વના પ્રમાણપત્રો ઓનલાઈન મેળવી શકશે. આ પ્રમાણપત્રોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર, આર્થિક રીતે નબળા વર્ગો (EWS), બિનઅનામત વર્ગ, ધાર્મિક લઘુમતી, વિચરતી-વિમુક્ત જાતિ અને આવકના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. આ તમામ સેવાઓ સરકારના સત્તાવાર પોર્ટલ (https://www.digitalgujarat.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx) પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
e-Sign ધરાવતા ડિજિટલ પ્રમાણપત્રો અરજદારને ઓનલાઈન મળી જાય
આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે અરજદારોએ હવે સરકારી કચેરીઓમાં રૂબરૂ જવાની જરૂરિયાત રહી નથી. દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી બાદ તુરંત જ e-Sign ધરાવતા ડિજિટલ પ્રમાણપત્રો અરજદારને ઓનલાઈન મળી જાય છે. એટલું જ નહીં, આ પ્રમાણપત્રો WhatsApp અને Digi Locker જેવા માધ્યમો પર પણ ઉપલબ્ધ છે, જેથી તેને સુરક્ષિત રાખીને ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય.
સુગમ ડિજિટલ ગુજરાત' અભિયાન
ગુજરાત સરકારના આ સરાહનીય નિર્ણયથી શાળા-કોલેજોમાં એડમિશન, સ્કોલરશિપ અને સરકારી ભરતી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો મેળવવામાં થતો વહીવટી વિલંબ ઘટ્યો છે. આનાથી યુવાનો અને વાલીઓના સમય અને ઊર્જાની મોટી બચત થઈ છે. સમગ્ર વ્યવસ્થામાં આવેલી આ પારદર્શિતા અને ઝડપને નાગરિકો આવકારી રહ્યા છે. વિકસતી જાતિ કલ્યાણ નિયામક વિક્રમસિંહ જાદવે આ તબક્કે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સરકારી કચેરીઓએ જવાના બદલે આ ડિજિટલ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરે. ખરા અર્થમાં 'સુગમ ડિજિટલ ગુજરાત' અભિયાન લોકોના જીવનને વધુ 'સુગમ' બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : National Sports Day : નવા ભારતની નવી રમતગમત સંસ્કૃતિ: ગામડાના મેદાનથી ઓલિમ્પિક સુધી!