વિકસિત ભારતનો અમૃતકાળ: PM Modi ના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ
- PM Modi ના રાષ્ટ્રસેવાના 24 વર્ષ પૂર્ણ
- 24 વર્ષ પૂર્વે આજના દિવસે લીધા હતા શપથ
- 7 ઓક્ટોબર 2001ના રોજ CM બન્યા હતા
PM Modi : 7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મૂક ક્રાંતિનો દિવસ હતો, જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી યોજનો દૂર રહેલા નરેન્દ્ર મોદીએ 51 વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે સમયે ભલે તેમની પાસે કોઈ વહીવટી અનુભવ ન હતો, પરંતુ દેશભરના લોકો સાથે પાયાના સ્તરે ગાઢ જોડાણ કરીને મેળવેલા સૂક્ષ્મ અનુભવોનો મૂલ્યવાન ભંડાર જરૂરથી હતો. તેમને એક એવું રાજ્ય વારસામાં મળ્યું, જે વિનાશક ભૂકંપ, મંદીના સંકેતો આપી રહેલી અર્થવ્યવસ્થા અને સામાજિક અશાંતિ પછીની અનિશ્ચિતતાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમ છતાં, થોડાં જ મહિનાઓમાં તેમના નેતૃત્વના ગુણોની સાથે તેમના વહીવટી કૌશલ્ય અને દૂરંદેશી વિચારસરણીનું એક દુર્લભ અને અનોખું સંયોજન લોકોની નજર સમક્ષ ઉભરવા લાગ્યું.
સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શાસન જનકેન્દ્રિત, પારદર્શક અને જવાબદાર હોવું જોઈએ
તેમણે માત્ર મુખ્યમંત્રીનો પદભાર જ નહોતો સંભાળ્યો, પરંતુ રાજ્યની જવાબદારીને પણ સ્વીકારી હતી. વહીવટી અધિકારીઓ સાથેની તેમની પ્રાથમિક મુલાકાતોમાં લોકોને ધ્યાનપૂર્વક સાંભળવાની અને ગહન અવલોકન કરવાની તેમની કુશળતા જોવા મળતી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શાસન જનકેન્દ્રિત, પારદર્શક અને જવાબદાર હોવું જોઈએ. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો 2001 થી 2014 સુધીનો 13 વર્ષોનો કાર્યકાળ અભૂતપૂર્વ પરિવર્તનનો સમયગાળો હતો. જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઉર્જાશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત દર્શન પર આધારિત તેમનું શાસનનું નવું મોડલ ગુજરાતના વિકાસનો આધાર બની ગયું. એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમની વિશેષ તૃષ્ટિ, દૂરંદેશી વિચારસરણી અને સર્વગ્રાહી વિકાસની પરિકલ્પનાએ ફક્ત દેશ જ નહીં પરંતુ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું.
PM Modi : 'સ્વાગત'ના રૂપમાં એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું
નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વ, સ્પષ્ટ ઇરાદાઓ, કઠોર પરિશ્રમ અને આકાશને આંબતા આત્મવિશ્વાસનો જ એ જાદુ હતો, કે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરની જનતા તેમના દરેક પગલે અને દરેક નિર્ણય સાથે અડીખમ ઊભી રહેવા આતુર હતી. ભારતના રાજકારણના ઇતિહાસમાં લોકપ્રિયતાનો આટલો ઊંચો મુકામ ભાગ્યે જ જોવા મળ્યો હશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળવાની સાથે જ સર્વપ્રથમ સુશાસનની સ્થાપના પર ભાર મૂક્યો. ઔધોગિક રાજ્ય તરીકે ધૂંધળી થયેલી ગુજરાતની છબીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવ્યો અને ગુજરાતને રોકાણકારો માટે પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં ડગ માંડયા. લોક ફરિયાદોનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ લાવવા માટે નરેન્દ્ર મોદીએ 'સ્વાગત'ના રૂપમાં એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું, જે તે સમયે દેશમાં આ પ્રકારનો એકમાત્ર કાર્યક્રમ હતો. ઇ-ગવર્નન્સની તેમની આ નવી પહેલ પછીથી રાષ્ટ્રમાં શાસનની પ્રાથમિકતા બની ગઇ. તેમણે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક નવું મોડલ રજૂ કર્યું.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો
વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો. તેમણે ગુજરાતના વિકાસ મોડલને રાષ્ટ્રીય સ્તરે લાગુ કર્યું અને ભારતના સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને નલ સે જલ જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રમુખ યોજનાઓએ મૂળભૂત રીતે ગુજરાતમાં લાગુ થયેલી અગ્રણી યોજનાઓમાંથી પ્રેરણા લીધી છે, જે તેમના સુશાસન મોડલની વ્યાપકતા અને સફળતા દર્શાવે છે.
ભારતની G-20 અધ્યક્ષતા દરમિયાન ગુજરાતે 18 ઉચ્ચ-સ્તરીય બેઠકોની યજમાની કરી, જે તેની વૈશ્વિક પ્રતિષ્ઠા, સંગઠનાત્મક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક આતિથ્યને રેખાંકિત કરે છે. દિલ્લી-મુંબઇ-એક્સપ્રેસ વે, વંદે ભારત ટ્રેનો અને એમ્સ રાજકોટ જેવી પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં પણ ગુજરાતની વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ અને વ્યૂહાત્મક આયોજનની છાપ છે. તેમના નેતૃત્વ દ્વારા મોદીજીએ એ સુનિશ્વિત કર્યું કે ગુજરાત ન માત્ર પ્રાસંગિક બનેલું રહે પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું કેન્દ્ર પણ બનેલું રહે.
ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી
વર્ષ 2025 નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ પૂર્ણ થવાનું પ્રતીક છે. આ 11 વર્ષનો સમયગાળો પરિવર્તનકારી શાસન, સમાવેશી વિકાસ અને ભારતની વૈશ્વિક ઓળખની સાથે 'ગ્લોબલ રીસેટમાં અગત્યની ભૂમિકા નિભાવવા માટે તૈયાર ભારતની સાહસિક યાત્રાની ઓળખ કરાવે છે. 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ-કેન્દ્રિત રાજનીતિ દ્વારા વિકાસવાદને પ્રોત્સાહન આપ્યું છે, જેણે ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. આ દાયકામાં ભારત સંરક્ષણ, વાણિજ્ય, ઉડ્ડયન, રેલવે, બંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં વ્યાપક વિકાસનું સાક્ષી રહ્યું છે.
'વિકસિત ભારત @2047′ વિઝન
વૈશ્વિક સ્તરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીન મૈત્રી, ઓપરેશન સિંદૂર અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું નેતૃત્વ કરીને કૂટનીતિને એક નવી વ્યાખ્યા આપી છે. ભારત જ્યારે અમૃત કાળમાં પ્રવેશી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 11 વર્ષની યાત્રા એક સ્થિતિસ્થાપક, મહત્વાકાંક્ષી અને આત્મનિર્ભર રાષ્ટ્રને દર્શાવે છે જે વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર વહન કરનારા નરેન્દ્ર મોદીએ 13 વર્ષ રાજ્યની સેવા કરી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક મુખ્યમંત્રીનો સતત અને દીર્ઘકાલીન કાર્યકાળ છે. એક સ્થાયી શાસન અને રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા રાજ્યનો કેવો અભૂતપૂર્વ વિકાસ સાધી શકાય, તેનું ઉદાહરણ ગુજરાતે સ્થાપિત કર્યું છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ ઘટનાને 24 વર્ષ પૂર્ણ થયાં છે. આજે 'વિકસિત ભારત @2047′ ના વિઝન સાથે તેઓ દેશના વડાપ્રધાન તરીકે ભારતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં તેઓ એક લોકપ્રિય નેતાની ઓળખ ધરાવે છે.
વિવિધ ક્ષેત્રોમાં શરૂ કરેલી યોજનાઓ અને કાર્યક્રમોની એક ઝલક:
આ પણ વાંચો: Gujarat Rain: આગામી 7 દિવસ માટે જાણો હવામાન વિભાગે શું કરી વરસાદની આગાહી