VGRC 2026 : કેળા અને વાંસમાંથી બનશે કાપડ, સુરતે બતાવી નવી રાહ
- VGRC 2026 : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘સસ્ટેનેબિલિટી હિલ’નું આકર્ષણ. કેળા, વાંસ અને અન્ય કુદરતી મટીરીયલમાંથી બનતા ઈકો-ફ્રેન્ડલી ફેબ્રિક‘સસ્ટેનેબિલિટી હિલ’ બની આકર્ષણનું કેન્દ્ર
VGRC 2026 : ગુજરાત જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી ‘સસ્ટેનેબિલિટી હિલ’ Sustainability Hill ઉભી કરાઈ છે.
ટેક્સટાઇલ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ વાયબ્રન્ટ એક્ઝિબિશન મુલાકાતીઓ માટે તારીખ 5 મી મે સુધી ખુલ્લું રહેશે.
VGRC 2026 : ટેક્સટાઇલ સપ્લાય ચેઇનનું જીવંત પ્રદર્શન (5F)
TAADA દ્વારા 3000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આ ઇન્સ્ટોલેશન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 5F ચેઈન એટલે કે ‘ફાર્મ ટુ ફાઇબર(Farm to Fibre), ફાઇબર ટુ ફેબ્રિક(Fibre To Febric), ફેબ્રિક ટુ ફેશન(Febric to Fashion) અને ફેશન ટુ ફોરેન’ ની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિષે ઊંડી સમજ મેળવી રહ્યા છે.
TAADA ના ચેરમેન અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર કાપડના ડાઈંગ અને પ્રોસેસિંગમાં જ નહીં, પણ ગાર્મેન્ટ સેક્ટરમાં પણ ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ઘાસ, વાંસ અને છોડમાંથી બનતા ફેબ્રિક્સ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે ખેડૂતો માટે પણ આવકનો નવો સ્ત્રોત બની શકે છે.
VGRC 2026 : સસ્ટેનેબિલિટી હિલના બે મુખ્ય વર્ટિકલ્સ
આ ઇન્સ્ટોલેશન મુખ્યત્વે બે વિભાગોમાં વિભાજિત છે:
ફેબ્રિક વર્ટિકલ: કાચા ફાઇબરમાંથી યાર્ન, ત્યારબાદ ફેબ્રિક અને છેલ્લે તૈયાર ગાર્મેન્ટ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા અહીં સરળતાથી સમજાવવામાં આવી છે.
એનર્જી વર્ટિકલ: ગોલ્ડી સોલારના સહયોગથી તૈયાર કરાયેલા આ વિભાગમાં રિન્યૂએબલ એનર્જીના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે.
કુદરતી અને ઈકો-ફ્રેન્ડલી ફાઈબર્સ
ગ્લોબલ ફેશન ઈન્ડસ્ટ્રી સિન્થેટિકના બદલે કુદરતી વિકલ્પો તરફ વળી રહી છે, જે અંતર્ગત પ્રદર્શનમાં નીચે મુજબના મટીરીયલ રજૂ કરવામાં આવ્યા છે:
બામ્બુ (વાંસ): અત્યંત નરમ, એન્ટી-બેક્ટેરિયલ અને પરસેવો શોષવાની ક્ષમતા ધરાવતું ફેબ્રિક છે.
બનાના (કેળાના રેસા): દક્ષિણ ગુજરાતમાં કેળાની ખેતી મોટા પાયે થતી હોવાથી, વેસ્ટમાંથી બેસ્ટ (Waste to Wealth) હેઠળ સિલ્ક જેવું ચમકતું ફેબ્રિક બનાવી શકાય છે.
હેમ્પ (ભાંગના રેસા): આ કાપડ ખૂબ જ ટકાઉ અને ઠંડક આપનારું છે, જેને ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે.
હિમાલયન ઘાસ (Nettle): આ ઘાસના રેસામાંથી પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ તૈયાર થાય છે.
ફ્લેક્સ (લિનન) અને કોટન ફ્લેક્સ: ઉનાળા માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતું ફેબ્રિક, જે કિંમતમાં સસ્તું અને જાળવણીમાં સરળ છે.
આ પ્રદર્શન ઉદ્યોગપતિઓ, મુલાકાતો અને યુવા સાહસિકો માટે અત્યંત જ્ઞાનવર્ધક સાબિત થઈ રહ્યું છે.


