Abhyuday Sammelan : વિક્રમભાઈ ઠાકોર કેમ થયા ભાવુક? ગેનીબેનની માફી માંગીને કહી દીધી મોટી વાત!
- વિક્રમ ઠાકોરનો ઠાકોર સમાજને એકતા અને પરિવર્તનનો સંદેશ
- વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરની જાહેર મંચ પરથી માંગી માફી
- વ્યસનને કારણે સમાજ પાછળ રહેતો હોવાની વ્યક્ત કરી ચિંતા
- શિક્ષણ સંકુલનો મહત્તમ લાભ લેવા યુવાનોને કરી અપીલ
- DJ સંચાલકોની રોજગારી મુદ્દે સામાજિક નિયમોમાં સુધારાની વિનંતી
Abhyuday Sammelan Vikram Thakor : ગાંધીનગર ખાતે આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજના 'અભ્યુદય' મહાસંમેલન (Abhyuday Mahasammelan) માં જાણીતા લોકગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) એ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સમાજના હજારો લોકોની મેદનીને સંબોધતા એકતા, શિક્ષણ (Education) અને વ્યસનમુક્તિ (De-addiction) નો મજબૂત સંદેશ આપ્યો હતો. વિક્રમ ઠાકોરે પોતાના સંબોધનમાં સમાજના વિકાસ માટે શિક્ષણને પાયાની જરૂરિયાત ગણાવી હતી.
વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરની માંગી માફી
સંબોધનની શરૂઆતમાં વિક્રમ ઠાકોરે ભૂતકાળમાં ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ના એક કાર્યક્રમમાં હાજર ન રહી શકવા બદલ જાહેર મંચ પરથી માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે, "હું ગેનીબેનના કાર્યક્રમમાં આવી શક્યો નહોતો, તે બદલ માફી માંગુ છું." આ સાથે જ તેમણે ઉમેર્યું કે તેઓ આજે જે સ્થાને છે તે ઠાકોર સમાજના આશીર્વાદને કારણે જ છે. તેમણે સમાજના આગેવાનો (Community Leaders) પર હંમેશા આશીર્વાદ બનાવી રાખવા વિનંતી કરી હતી.
શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર
વિક્રમ ઠાકોરે સમાજમાં વ્યાપેલા વ્યસન (Addiction) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "વ્યસનના કારણે આપણો સમાજ પાછળ રહી ગયો છે. મારે તમામ ઠાકોર બંધુઓને વિનંતી છે કે દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહેવું જોઈએ." તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ દ્વારા બનાવવામાં આવી રહેલા શિક્ષણ સંકુલ (Education Complex) નો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જેથી આવનારી પેઢી પ્રગતિ કરી શકે.
DJ પ્રતિબંધ અંગે પુનઃવિચારણાની અપીલ
ઠાકોર સમાજના બંધારણમાં પ્રસંગોમાં DJ વગાડવા પર જે પ્રતિબંધ (Ban on DJ) મૂકવામાં આવ્યો છે, તે અંગે વિક્રમ ઠાકોરે મધ્યસ્થી કરવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે, "ઘણા DJ સંચાલકોના મને ફોન આવ્યા છે, તેમનું ઘર આ વ્યવસાયથી ચાલતું હોય છે. તેથી હું આગેવાનોને વિનંતી કરું છું કે DJ ના નિયમો અંગે ફરી એકવાર વિચારણા કરવામાં આવે." તેમણે ગેનીબેન ઠાકોરને પણ આ સામાજિક બંધારણમાં જરૂરી સુધારા કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : ગાંધીનગરમાં અડધી રાત્રે ગુંજ્યો બગદાણા કેસનો મુદ્દો; જાણો બળદેવજી ઠાકોરે કેમ કર્યા પરસોત્તમભાઈ સોલંકીના વખાણ?


