World Cancer Day-2026 : કેન્સર સામે ગુજરાતનું મહાઅભિયાન:'United by Unique' થીમ સાથે નવી પહેલ
- World Cancer Day-2026: "United by Unique" થીમ સાથે ગુજરાતની કેન્સર સામે નિર્ણાયક જંગ
World Cancer Day-2026 : કેન્સર એ માત્ર એક રોગ નથી, પરંતુ એક એવી વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી છે જે દર વર્ષે લાખો પરિવારોને અસર કરે છે. દર વર્ષે ૪થી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવતો 'વિશ્વ કેન્સર દિવસ' -World Cancer Day આપણને યાદ અપાવે છે કે જાગૃતિ, વહેલું નિદાન અને સમાન સારવાર દ્વારા આ ગંભીર બીમારીને મ્હાત આપી શકાય છે.
વર્ષ ૨૦૨૬માં આ દિવસ “United by Unique” થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે, જેનો સંદેશ સ્પષ્ટ છે: દરેક દર્દીની લડાઈ અનોખી છે અને દરેકને સન્માનજનક તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મેળવવાનો સમાન અધિકાર છે. આ અવસરે ગુજરાત સરકારે પણ રાજ્યમાં કેન્સરના નિવારણ અને સારવાર માટે કરેલી અભૂતપૂર્વ કામગીરીના આંકડા રજૂ કરીને મજબૂત સંકલ્પ શક્તિ પ્રદર્શિત કરી છે.
World Cancer Day-2026:ગુજરાતમાં વ્યાપક સ્ક્રીનિંગ અને નિદાન અભિયાન
કેન્સર સામેની લડાઈમાં 'વહેલું નિદાન' એ જ સૌથી મોટું શસ્ત્ર છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે સઘન સ્ક્રીનિંગ પ્રોગ્રામ-Intensive screening program ચલાવવામાં આવ્યો છે:
મોંઢાનું કેન્સર: રાજ્યમાં ૩ કરોડથી વધુ નાગરિકોનું પ્રારંભિક પરીક્ષણ કરવામાં આવ્યું.
સ્તન કેન્સર: ૧.૬ કરોડથી વધુ મહિલાઓનું સુરક્ષિત સ્ક્રીનિંગ કરાયું.
સર્વાઇકલ કેન્સર: ૮૨ લાખથી વધુ મહિલાઓની તપાસ કરી સંભવિત જોખમોને વહેલા ઓળખવાના પ્રયાસો થયા.
World Cancer Day-2026: વર્તમાન પડકારો અને આંકડાકીય સ્થિતિ
નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫માં ભારતમાં ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા. ICMR–NCDIR ના અહેવાલ મુજબ ગુજરાતમાં પણ જોખમનું પ્રમાણ નોંધપાત્ર છે:
પુરુષોમાં દર ૦૯ માંથી ૦૧ અને મહિલાઓમાં દર ૧૨ માંથી ૦૧ વ્યક્તિને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ રહે છે.
પુરુષોમાં તમાકુના સેવનથી થતા કેન્સર અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.
સરકારના નીતિગત પ્રયાસો અને "Training of Trainers"
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, કેન્સરની સારવારને છેવાડાના ગામડા સુધી પહોંચાડવા માટે GCRI સાથે મળીને એક વિશેષ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
તાલીમ અભિયાન: ૪૦૦થી વધુ નિષ્ણાત તબીબોને 'માસ્ટર ટ્રેનર' તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.
ગ્રાસરૂટ લેવલ કનેક્ટ: આ ટ્રેનર્સ રાજ્યના ૩૭,૦૦૦થી વધુ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને તાલીમ આપશે, જેથી સ્થાનિક સ્તરે જ કેન્સરના લક્ષણો ઓળખી શકાય.
સ્થાનિક સારવાર: જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં 'ડે-કેર કીમોથેરાપી સેન્ટર' શરૂ કરીને દર્દીઓને મોટા શહેરો સુધી લાંબા ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવી છે.
સમગ્રતયા જોતા, કેન્સર સામેની લડાઈ એ માત્ર હોસ્પિટલો કે દવાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે જનભાગીદારી અને જાગૃતિનો વિષય છે.
ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ, તમાકુ મુક્તિ અભિયાનો અને રસીકરણના પ્રયાસો ભવિષ્યમાં કેન્સરના દરને ઘટાડવામાં પાયાનો પથ્થર સાબિત થશે. "United by Unique" થીમ આપણને સમજાવે છે કે જ્યારે આપણે સૌ એક થઈને, દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ સંવેદનશીલ અભિગમ અપનાવીશું, ત્યારે જ 'કેન્સર મુક્ત સમાજ'નું સ્વપ્ન સાકાર થશે.
વહેલી તપાસ અને તંદુરસ્ત જીવનશૈલી એ જ આ રોગ સામેનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે.
આ પણ વાંચો :Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા શહેરમાં ક્લીન એર માટે પ્રયાસ


