World Environment Day : ગુજરાતને પ્લાસ્ટિક મુકત બનાવી, ગ્રીન કવરેજ વધારવા મંત્રી ભાનુબેન બાબરીયાની અપીલ
- વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ સાથે સંદેશ
- મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં હરિયાળી અભિયાન
- પુનિતવનમાં આંગણવાડી બાળકો સાથે પર્યાવરણ જાગૃતિ
- 'એક પેડ માં કે નામ' અંતર્ગત સમૃદ્ધ હરિયાળીનો સંકલ્પ
- વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો – ગાંધીનગરથી મંત્રીનો સંદેશ
- ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મંત્રીની અપીલ
World Environment Day : આજે 5 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે આજે ગાંધીનગરના પુનિતવન ખાતે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આંગણવાડીના બાળકો સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. “હરિયાળી વાવો, સમૃદ્ધિ પામો, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સંકલ્પ સાથે ઉજવાયેલા આ દિવસે મંત્રીએ બોરીજની 3 આંગણવાડી કેન્દ્રોના 92 બાળકો અને તેમના વાલીઓ સાથે મળીને સિંદુર જેવા ઔષધીય અને શૌર્યથી ભરપૂર વૃક્ષોનું વાવેતર કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને ગ્રીન કવરેજ વધારવાની અપીલ કરી.
પર્યાવરણ જાળવણીની જરૂરિયાત
મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, પ્રકૃતિનું સંવર્ધન અને જતન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઈફ’નો ઉલ્લેખ કરીને નાગરિકોને પર્યાવરણલક્ષી જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, “આપણે દરેકે પોતાના રોજિંદા જીવનમાં પર્યાવરણની જાળવણી માટે નાના-નાના પગલાં લેવા જોઈએ, જેમાં વૃક્ષારોપણ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો મહત્વપૂર્ણ છે.”
‘એક પેડ માં કે નામ’ અભિયાન
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કર્યો, જેમાં દરેક નાગરિકને પોતાની માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અભિયાનને આગળ વધારતા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ 2.0’ શરૂ કરાવ્યું, જેનો ઉદ્દેશ રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને હરિયાળી વધારવાનો છે. મંત્રીએ બાળકો, યુવાનો અને પ્રજાજનોને આ પહેલને અપનાવવા અનુરોધ કર્યો, જેથી રાજ્યનું પર્યાવરણ વધુ સમૃદ્ધ બને.
બાળકો સાથે વનભોજન અને જાગૃતિ
આ કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ ઓફિસરે આંગણવાડીના બાળકોને વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાળવણીની જરૂરિયાત વિશે સમજ આપી. મંત્રી ભાનુબેન બાબરીયાએ બાળકો સાથે રમતો રમી અને કેળાં, કેરી, લીંબુ શરબત તેમજ પૌષ્ટિક નાસ્તાનો આનંદ માણ્યો. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના આઇ.સી.ડી.એસ. વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Gujarat CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-2025”ના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી