World Sight Day : મહાસંકલ્પ: અંધત્વ મુક્ત અને તેજસ્વી ગુજરાત!
ગુજરાત સરકારે વર્ષ-2030 સુધીમાં અંધત્વનો દર 0.20 % કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 40+ વર્ષના નાગરિકો માટે મફત આંખની તપાસ અને સરકારી હોસ્પિટલોમાં રૂ. 60 થી 80 હજારની અત્યાધુનિક મોતિયાની સર્જરી (IOL) વિનામૂલ્યે મેળવો.
Advertisement
World Sight Day : ગુજરાત સરકારે વર્ષ-2030 સુધીમાં અંધત્વનો દર 0.20 % કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 40+ વર્ષના નાગરિકો માટે મફત આંખની તપાસ અને સરકારી હોસ્પિટલોમાં રૂ. 60 થી 80 હજારની અત્યાધુનિક મોતિયાની સર્જરી (IOL) વિનામૂલ્યે મેળવો.
World Sight Day : ગુજરાત રાજ્યે આરોગ્ય ક્ષેત્રે (Gujarat state in the health sector)વધુ એક પ્રશંસનીય અને માનવલક્ષી કદમ ઉઠાવીને વર્ષ-2030 સુધીમાં અંધત્વનો દર હાલના 0.25% થી ઘટાડીને 0.20% સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 27 મા વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital) ખાતેથી કરાયેલી જાહેરાતો રાજ્યના દરેક નાગરિકની આંખોના તેજ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
World Sight Day : “મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ
વધતી ઉંમરે દ્રષ્ટિની સમસ્યાઓ નિવારવા 40 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે શરૂ કરાયેલ ત્રિ-સ્તરીય કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ કાર્યક્રમ સમયસર નિદાન માટે અસરકારક સાબિત થશે. “મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ હેઠળ, આર્થિક રીતે નબળા દર્દીઓને મોટી રાહત મળી છે. ખાનગી હોસ્પિટલોમાં રૂ. 60 થી 80 હજારના ખર્ચે થતી અત્યાધુનિક હાઇડ્રોફોબિક નેત્રમણિ (IOL) સાથેની ફેકોઇમલ્સિફિકેશન સર્જરી હવે સરકારી હોસ્પિટલોમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નેતૃત્વ અને ડિજિટલ ક્રાંતિ
રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાનમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પોતાનું અગ્રસ્થાન જાળવી રાખ્યું છે. આરોગ્ય માળખાને વધુ પારદર્શક અને આધુનિક બનાવતા, નવજાત શિશુથી લઈ 18 વર્ષના બાળકોની દ્રષ્ટિ તપાસ અને વિનામૂલ્યે ચશ્માં વિતરણની કામગીરીને RBSK 2.0 હેઠળ TECHO+ પોર્ટલ સાથે સાંકળી લેવામાં આવી છે. આ ઉપરાંત, ડેટા ટ્રેકિંગ માટે નવા લોન્ચ થયેલા NPCBVI મોડ્યુલથી બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્દીઓની સારવારનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે.
સ્વસ્થ જીવનશૈલી અને જાગૃતિ તરફનો અભિગમ
ડિજિટલ યુગમાં આંખોને સ્વસ્થ રાખવા માટે નિષ્ણાતો દ્વારા સૂચવાયેલ ‘૨૦-૨૦-૨૦’ નિયમ (દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર જોવું) નો પ્રચાર યુવા પેઢી માટે અત્યંત ઉપયોગી છે. આ સાથે વિટામિન-એ યુક્ત આહાર અને આઉટડોર પ્રવૃત્તિઓ પર મૂકવામાં આવેલો ભાર સ્વાસ્થ્ય પ્રત્યેનો સર્વાંગી અભિગમ દર્શાવે છે.
“Love Your Eyes” અને “It’s not just sight, It’s entire future” ના પ્રેરણાદાયક સંદેશ સાથે આગળ વધી રહેલું ગુજરાત હવે માત્ર સારવાર પૂરતું સીમિત ન રહેતા, દરેક નાગરિકને સ્વસ્થ, તેજસ્વી અને અંધત્વ મુક્ત જીવન પ્રદાન કરવાની દિશામાં એક સ્વર્ણિમ અધ્યાય લખી રહ્યું છે.

