Demolition News : ગુજરાતમાં ફરી બુલડોઝર એકશન જોવા મળ્યું છે. પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિર નજીક ભોંયવાડા વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. કોરિડોર પ્રોજેક્ટ હેઠળ નડતરરૂપ ગણાતા દબાણો સામે તંત્ર દ્વારા વહેલી સવારે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રણ દુકાનો તોડી પાડી
ઉલ્લેખનીય છે કે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. સોમનાથ મંદિર નજીક આવેલા ભોંયવાડા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ, ત્રણ દુકાનો અને એક મકાનનું વહેલી સવારે ડિમોલિશન કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડેપ્યુટી એસપી, ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. મામલતદારની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
કોરિડોર વિકાસ માટે હાથ ધરાયું ડિમોલિશન
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ મિલકતો સોમનાથ કોરિડોરના વિકાસ અને વિસ્તરણમાં નડતરરૂપ બનતી હતી, જેને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ડિમોલિશનની આ કાર્યવાહી કરતા પહેલા નિયમ મુજબ વળતરની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે શરૂ થયેલી આ કામગીરીથી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બાદ DyCM હર્ષભાઈ સંઘવીએ એરપોર્ટ પર બોલાવી હાઈ-લેવલ બેઠક