Gir Somnath Rain News: ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, જેનાથી અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ગીરગઢડામાં સ્થિતિ ગંભીર: નગડીયા ગામ સંપર્ક વિહોણું
ગીર ગઢડાનું નગડીયા ગામ ગત મોડી રાતથી સંપર્ક વિહોણું બન્યું છે. ગીર જંગલમાં સતત વરસાદના પગલે શાહી નદી ગાંડીતુર થતા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને લઈને ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉનામાં પૂરનો કહેર: સૈયદ રાજપરામાં મચી તબાહી
ઉના તાલુકામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. સૈયદ રાજપરા ગામે સ્થિતિ અત્યંત વણસી છે. અહીં ખાણ વિસ્તારના મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે તરાપાનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં લાંગરેલી 6 બોટો દરિયામાં તણાઈ ગઈ હતી, જેમાં ફસાયેલા 6 લોકોને NDRFની ટીમે રાત્રિભરની જહેમત બાદ સવારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. તેમજ ગાંગડા ગામમાં માલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંખેડામાં તો પાણીના ધસમસતા પ્રવાહમાં એક શિવ મંદિર પણ તણાયા હોવાના અહેવાલ છે.
વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હાલ વેરાવળનો દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને દરિયામાં 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.
વેરાવળના જાલેશ્વરના દરિયા કિનારે ડૂબી જવાથી યુવતીનું મોત
વેરાવળના જાલેશ્વર કિનારે નિકિતા રામભાઈ પંડિત નામની યુવતીનું મોજામાં તણાઈ જવાથી દુઃખદ અવસાન થયું છે, જ્યારે અન્ય એક યુવતીને મહામહેનતે બચાવી લેવાઈ છે. વેરાવળ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી ૨૪ કલાકમાં પાણીના નિકાલની ખાતરી મેળવી છે.
રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો
ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના ઉપરવાસમાં સર્જાયેલા ભારે વરસાદી માહોલને પગલે રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સ્થાનિકોને કડક સૂચના આપવામાં આવી છે, સાથે જ સંભવિત પૂરની સ્થિતિને જોતા ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોના રહીશોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
કોડીનાર-અમરેલી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વડલો ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેને 2 JCBની મદદથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે આશરે 30 થી 35 ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાયા છે. નાઠેજ ગામમાં તો નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં છેલ્લા 2 દિવસમાં જ 15 ઇંચ વરસાદ નોંધાયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યું નિરીક્ષણ
વેરાવળમાં વરસાદનો વિરામ થયાના બીજા દિવસે પણ વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે, જેના પગલે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્યએ વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, જેના જવાબમાં તંત્રના અધિકારીઓએ 24 કલાકમાં પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી છે. વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરસીએમ સહિતના અધિકારીઓને પ્રિ-મોન્સૂન કામગીરી અને ઓવરબ્રિજની કામગીરી અંગે અગાઉથી જ રજૂઆત કરી હતી.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ મદદ માટે દોડી આવ્યા
ઉના વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીઓમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ આપત્તિના સમયે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મદદ માટે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન, રાજપરા ગામે લાંગરેલી 6 બોટો દરિયાના તોફાની મોજામાં તણાઈ ગઈ હતી, જેમાં 6 લોકો મધદરિયે ફસાઈ ગયા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં NDRFની ટીમ દ્વારા રાજપરા બંદરેથી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને અન્ય લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Valsad News: યુવતીના ફિલ્મી ઢબે અપહરણનો ભેદ ઉકેલાયો, 3 બાળકોનો પિતા નીકળ્યો અપહરણકર્તા!