જાણો અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું ક્યારે આવ્યું હતું, કેટલા લોકોનો ભોગ લીધો હતો ?
આમ તો વાવાઝોડા અવાર-નવાર આવતા રહેતા હોય છે.. ક્યારેક તેની તીવ્રતા વધારે હોય છે તો ક્યારેક ઓછી. વાત છે 1737ની ..એ સમયે કલકતા મહત્વનું વેપારી મથક હતું. ત્યાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેન્માર્ક યુરોપીય દેશોના વેપાર ચાલતા હતાં. તેમના જહાજો પણ પાર્ક થયેલા હતા.ત્યારે કલકતાના કાંઠે એક વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં અંદાજે 3થી 3.5 લાખ લોકો માર્યા ગયા હતાં. કલકતા શહેરની અડધી વસ્તી સાફ થઈ ગઈ હતી. એ સમયે વાવાઝોડા અંગે અગાઉથી જાણકારી મળી શકે એવી કોઈ જ સગવડ ન હોતી. એ વખતે મૃત્યુઆંક ગણવા માટે પણ કોઈ ચોક્કસ પદ્ધતિ ન હોતી. પરંતુ શહેરની લગભગ અડધી વસતી ખાલી થઈ ગઈ હતી. વાવાઝોડાને કારણે અંદાજે 20 હજાર જહાજો ડૂબી ગયા હતા કે નાશ પામ્યા હતાં. ભારતના ઈતિહાસની એ સૌથી મોટી કુદરતી આફત ગણાય છે. તેનાથી વધુ જીવ કોઈ વાવાઝોડામાં કે અન્ય કોઈ આફતમાં ક્યારેય ગયા નથી.
આ વાવાઝોડું ઇતિહાસમાં કલકતા સાયકલોન, હૂગલી રિવર સાયકલોન અથવા ગ્રેટ બેંગાલ સાયકલોન તરીકે જાણીતું છે. કલકતાના કાંઠે 11 ઓક્ટોબર 1937ના રોજ સવારે આ વાવાઝોડું ત્રાટક્યું હતું. જે 9મી ઓક્ટોબરે સમુદ્ર વચ્ચે રચાયું હતું અને પછી કાંઠા તરફ આગળ વધ્યું હતું. ભારતમાં બંગાળનો અખાત અને અરબ સાગર બન્નેમાં વાવાઝોડા ઉદભવતા રહે છે. પરંતુ સંખ્યાની દૃષ્ટિએ વધુ વાવાઝોડા બંગાળના અખાતમાં પેદા થતા રહે છે.
આ વાવાઝોડું ત્રાટકતા કાંઠે 30-40 ફીટ ઊંચા મોજાં ઉછળ્યા હતાં. છ કલાકમાં જ 15 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વાવાઝોડું જમીની વિસ્તારમાં સવા ત્રણસો કિલોમીટર સુધી અંદર ઘૂસ્યા પછી વિસર્જિત થયું હતું. સમગ્ર વિસ્તારમાં કાદવ છવાઈ ગયો હતો અને મકાનની છતો પર પણ કાદવ જામી ગયો હતો.બંગાળના અખાતમાં ત્યાર બાદ 1787, 1789, 1822, 1833, 1839, 1864, 1876માં એવા વાવાઝોડાં આવ્યાં હતાં જેમાં દસ હજાર કે તેનાથી વધારે મોત થયા હોય.


