VADODARA : DEO કચેરી દ્વારા મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો
VADODARA : વડોદરા શિક્ષણા અધિકારીની કચેરી દ્વારા સરકારના દિશા-નિર્દેશ અનુસાર બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પ્રથમ વખતમાં 29 મદરેસાઓની યાદી આપવામાં આવી છે. તે પૈકી 25 મદરેસાઓમાંથી વિગતો એકત્ર કરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આવનાર સમયમાં વધુ મદરેસાઓની યાદી મળે તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
માહિતીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર મદરેસાઓમનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વિવિધ માહિતી એકત્ર કરવામાં આવનાર છે. અને બાદમાં આ માહિતીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવનાર છે. વડોદરા શિક્ષણા અધિકારીની કચેરીને હાલ તબક્કે 29 મદરેસાઓની યાદી આપવામાં આવી છે. જે પૈકી 25 મદરેસાઓમાંથી વિગતો એકત્ર કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાની સાથે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે માહિતી એકત્ર કરવા માટે સર્વેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
તમામ જાણકારી પૂરી પાડવામાં આવી
સુત્રોએ ઉમેર્યું કે, વડોદરા શિક્ષણા અધિકારી દ્વારા કરવામાં આવતા સર્વેની કામગીરીમાં મદરેસાઓ તરફથી સારો સહકાર મળી રહ્યો છે. તમામ જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં શિક્ષણા અધિકારીની કચેરી (DEO - VADODARA) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વડોદરા જિલ્લામાં, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બાળકો શાળામાં પણ અભ્યાસ કરે છે
સુત્રોએ તેમ પણ ઉમેર્યું કે, ધાર્મિક શિક્ષણ મેળવવાની સાથે બાળકો નિયમિત શાળામાં જાય છે કે નહિ તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. વડોદરામાં મોટાભાગે મદ્રેસાઓમાં ભણતા બાળકો શાળામાં પણ અભ્યાસ કરતા હોવાની માહિતી પ્રાથમિક તબક્કે સપાટી પર આવવા પામી છે. હાલ 29 મદરેસાઓની યાદી આપવામાં આવી છે. જેની કામગીરી ટુંક સમયમાં પૂર્ણ થશે. ત્યાર બાદ તંત્રને નવા મદરેસાઓની યાદી મળવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો -- VADODARA : બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળ નજીક આગનું છમકલુ