VADODARA : વગર વરસાદે રોડ પર પાણી રેલાયું
VADODARA : વડોદરા (VADODARA) ના સલાટવાડા રોડ વિસ્તારમાં વગર વરસાદે પાણી રેલાયું હોવાની ઘટના સામે આવી છે. આજે રોડની વચ્ચોવચ આવેલી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ ભંગાણમાંથી અવિરત પાણી વહી રહ્યું છે, અને વિસ્તારમાં ફેલાઇ રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા લોકો માટેનું પીવાનું પાણઈ આ પ્રકારે ન વેડફાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીની બુમો ઉઠતી હોય છે, તો બીજી તરફ પાલિકા દ્વારા મસમોટા ભંગાણ સમયસર રીપેરીંગ કરવામાં નહી આવતા પાણી વેડફાઇ જાય છે.
રોડની બીજી તરફ સુધી ફેલાયું
વડોદરા પાસે શહેરવાસીઓની જરૂરીયાતને પહોંચી વળવા માટે પાણીના પર્યાપ્ત જળસ્ત્રોત આવેલા છે. પરંતુ પાલિકા તંત્રના મેનેજમેન્ટના અભાવે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીની બુમો ઉઠવા પામી છે. ઉનાળામાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉદ્ભવી હતી. આ વચ્ચે આજે સલાટવાડા રોડમાં મુખ્ય માર્ગ પર પાણીનું લિકેજ સામે આવ્યું છે. જેમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર વહી રહ્યું છે. પાણી વહીને રોડની બીજી તરફ સુધી ફેલાઇ રહ્યું છે. સાથે જ આ લિકેજ નજીક વધુ એક નાનું લિકેજ હોવાનું પણ ધ્યાને આવી રહ્યું છે. જે આ વાત સવારે સ્થાનિકોના ધ્યાને આવી હોવાનું જાણવા મળ્યું છે. સતત પાણી વહી જવાના કારણે વિસ્તારમાં વાહનો પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.
પાલિકાની ઢીલી કામગીરી
મોડે મોડે પાલિકા તંત્રને ધ્યાને આવતા જેસીબી સહિતના મશીનો મારફતે સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, કામ શરૂ થાય તે પહેલા સેંકડો લીટર પીવા લાયક પાણી વેડફાઇ ગયું હતું. જેને લઇને પાલિકાની ઢીલી કામગીરી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આસપાસના લોકો વગર ચોમાસે પાણીમાંથી પસાર થવાનો અનુભવ લેવા મજબુર બન્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ચોમાસા પહેલા રોડ પર ભૂવાની દસ્તક



