VADODARA : "અમારે સ્માર્ટ બનવું નથી", વિજ મીટરનો કકળાટ યથાવત
VADODARA - SMART ELECTRICITY METER CONTROVERSY : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ આજે પણ યથાવત રહ્યો છે. આજે શહેરના એફજીઆઇ ગોડાઉન સામે આવેલા એલકે નગરની મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને અનેકવિધ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિજ કંપનીના એમડીને સુચવ્યું કે, જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં નવા મીટરો બેસાડવા ન જોઇએ.
સરકારથી થાય તે ઉખાડી લે
વડોદરાના એલેમ્બિક રોડ, એફજીઆઇ સામે આવેલા એલ.કે નગરના સ્થાનિકો દ્વારા સ્માર્ટ વિજ મીટરનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
મહિલા જણાવે છે કે, અમારે વિરોધ એટલે કરવો પડી રહ્યો છે કે બિલ વધારે આવે છે. મેં હમણાં રૂ. 2 હજારનું રીચાર્જ કરાવ્યું, ત્યાં ચાર દિવસ બાદ હવે માત્ર રૂ. 700 જ બચ્યા છે. ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવતો હોય તો અમે સરકારના ખાંધા ભરીશું અમે. અમારા જુના મીટર આપી જાઓ. તેમ નહિ કરો તો અમે આખી ચાલીના મીટર વિજ કચેરીએ નાંખીશું. અને બીજી રીતે વિજ કનેક્શન ચલાવીશું. સરકારથી થાય તે ઉખાડી લે, અમારે સ્માર્ટ સિટી પણ નથી જોઇતું અને સ્માર્ટ મીટર પણ નથી જોઇતું. મોદી સરકાર કહે કે, સ્માર્ટ સિટી બનાવવા માંગુ છું. અમેરીકા, લંડન, આફ્રિકા તે પ્રમાણે અહિંયા વર્તવું પડે. વડીલોને પેન્શન આપો, છોકરાઓનું શિક્ષણ મફત કરી દો, જ્યારે ત્યાં મફતમાં છે. અહિંયા 6 મહિનાની 50 હજાર ફી ભરી છું. અમે ઘરમાં ખઇશું કે સરકારને આપીશું. નવા મીટર કાઢી જાઓ અને જુના મીટલ લગાડી જાઓ. નહિ તો વિજ કંપની બેઇજ્જત થઇ જશે.
તો પોલીસ સ્ટેશન બેસાડશે
અન્ય મહિલા જણાવે છે કે, અમારે જોઇતા જ નથી. પહેલા બે મહિનાનું રૂ. 1700 બિલ આવતું હતું. મારી પાસે ફોન નથી. મને રીચાર્જ કરતા પણ નથી આવતું. ધમકી આપી કે, નહિ મુકો તો પોલીસ સ્ટેશન બેસાડશે. સાથે રૂ. 20 હજાર પણ દંડની પણ ધમકી આપતા હતા. અમારે તો નખાવવા જ પડ્યા. અમારે કમાઇ કમાઇને તેમને જ ધરાવવાનું છે. અમારી સરકારી નોકરી નથી. અમારે સ્માર્ટ બનવું નથી.
નવા મીટરો બેસાડવા ન જોઇએ
તો બીજી તરફ વિસ્તારમાંથી સ્માર્ટ વિજ મીટરને લઇને સતત ફરિયાદો મળતા સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જણાવાયું કે, સરકારની સ્કિમ અંતર્ગત એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વિજ મીટર નાંખવામાં આવી રહ્યા છે. તેમાં વ્યાપક ફરિયાદો પહોંચી છે. મારા વિસ્તારમાં ચાર દિવસથી ફરિયાદો આવતા મેં સીએમઓમાં પણ રજુઆત કરી હતી. સાથે જ વિજ કંપનીના એમડી તેજસભાઇ સાથે વાત કરી હતી. તેમને સુચન આપ્યું કે, સ્માર્ટ મીટર બેસાડવાની સાથે જનજાગૃતિ માટે પણ પ્રયત્નો હાથ ધરાવવા જોઇએ. લોકોની અનેક ફરિયાદ છે, જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં નવા મીટરો બેસાડવા ન જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : હાઉસીંગ બોર્ડની ખોટી રસીદો પકડાવી લાખોની ઠગાઇ