VADODARA : મળસ્કે ચોરોના "પેટ્રોલીંગ"થી લોકોની નિંદર હરામ
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રાત્રીના સમયે ચોરોના પેટ્રોલીંગથી લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીના રહીશો દ્વારા પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION) માં બીજી વખત કાર્યવાહી કરવા માટેનું રિમાઇન્ડર મોકલવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે લોકો રાત્રીના સમયે તેમના ઘરોમાં સુરક્ષિત રહે તે માટે પોલીસ પેટ્રોલીંગ કરતી હોય તેમ થવું જોઇએ. તેની સામે હવે ચોરોની ટોળકીના પેટ્રોલીંગે લોકોની મુશ્કેલીઓ વધારી છે.
ચોરોના પેટ્રોલીંગના સીસીટીવી પણ રજૂ કર્યા
વાઘોડિયા રોડ પર આવેલી સુખધામ હવેલી નજીક ચિત્રકુટ રેલવેમેન્સ કો. હાઉસિંગ સોસાયટી આવેલી છે. ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા પાણીગેટ પોલીસ મથકમાં બીજી વખત રિમાઇન્ડર રૂપી અરજી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેમના સોસાયટીમાં ઘણા સમયથી ચોરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ પહેલા પણ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. આ સાથે સ્થાનિકો દ્વારા ચોરોના પેટ્રોલીંગના સીસીટીવી પણ રજૂ કર્યા છે. અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી ચોરોનો ત્રાસ વધી ગયો છે. તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. 1, જુલાઇના રોજ બીજા રિમાઇન્ડરની અરજી પોલીસ મથકમાં આપવામાં આવી છે.
બે બાઇક પર ડબલ સવારી આંટાફેરા
સોસાયટીના રહીશો દ્વારા રજૂ કરવામાં આવેલા સીસીટીવીમાં મળસ્કે આશરે સાડા ચાર વાગ્યાના આરસામાં સોસાયટીમાં બે બાઇક પર ડબલ સવારી લોકો ફરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સોસાયટીની અલગ અલગ ગલીઓમાં તેઓ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સોસાયટીના રહીશોની પ્રબળ આશંકા છે કે, તેઓ ચોર છે. સામાન્ય રીતે લોકોને સુરક્ષીત રાખવા માટે પોલીસ નાઇટ પેટ્રોલીંગ કરતી હોવાનું આપણી જાણમાં હોય છે. પરંતુ ચિત્રકુટ સોસાયટીમાં તેનાથી વિપરીત પરિસ્થીતી જોવા મળી રહી છે. અને ચોરોના પેટ્રોલીગના કારણે લોકોની ઉંધ હરામ થવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : શેર માર્કેટમાં રોકાણના મોટા સ્કેમમાં સંડોવાયેલા બે ઝબ્બે


