33

અમદાવાદ શહેર પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. ચેઈન સ્નેચિંગનો ખૂંખાર આરોપી પોલીસને હાથતાળી આપી નાસી છૂટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
અમદાવાદ સહિત હૈદરાબાદ અને બેંગ્લોરમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપનારા ઉમેશ ખટીક નામના આરોપીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ત્યાર બાદ ઉમેશને ટ્રાન્સફર વોરંટને આધારે નારોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પણ આરોપી ઉમેશ લઘુશંકાએ જવાનું બહાનું કાઢી ફરાર થઇ ગયો હતો. જોકે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસકર્મી વિષ્ણુભાઈ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીએ ઉમેશ નામના આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. નારોલ પોલીસ સ્ટેશનમાં લોકઅપ ન હોવાથી તેને પોલીસ જાપ્તામાં રખાયો હતો. પહેલી જાન્યુઆરી આરોપી લઘુશંકાના બહાનું કાઢી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ બાબતે જાણ કરાતા જ સમગ્ર શહેરમાં પોલીસે નાકાબંધી કરાવી હતી. જો કે આરોપી નો કોઈ પત્તો લાગ્યો ન હતો. આરોપીને પકડવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર પણ તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે જોવું રહ્યું.