Gondal: આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર 8 મિનિટમાં ગણી બતાવ્યાં 200 દાખલા, અચ્યુત બન્યો ચેમ્પિયન
- A2 કેટેગરીમાં ગજેરા અચ્યુત જીજ્ઞેશભાઈ ચેમ્પિયન બન્યો
- વિશ્વના 30 દેશના 6,000થી વધુ બાળકોએ લીધો હતો ભાગ
- દિલ્હી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા
Gondal: કોણ કહે છે કે સ્વપ્નો સાચા નથી પડતા? જે જે બાળકોએ નાની ઉંમરે પોતાના માનસ પટલ પર સ્વપ્ન અંકિત કરેલ છે અને તેના માટે મેહનત કરેલ છે તેના દરેક સ્વપ્ન સાચા પડ્યા જ છે. બાળકોમાં તો અખૂટ શક્તિ, ક્ષમતાઓ અને ખજાનાનો ભંડાર છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન અને દિશા સૂચન આપી તેમને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો કઈ પણ શક્ય બને જ છે. ગોંડલના 7 બાળકોએ ફરીથી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે, જો શિક્ષકો અને માતાપિતા દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે અને મહેનત કરવામાં આવે તો ક્યાં સુધી પહોચી શકાય છે.
ગજેરા અચ્યુત જીજ્ઞેશભાઈ A2 કેટેગરીમાં ચેમ્પિયન બન્યો
તારીખે 14 ડિસેમ્બરના રોજ દિલ્હી યુનિવર્સિટી ખાતે વિશ્વના 30 દેશના 6,000થી વધુ બાળકો વચ્ચે યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાનું અલગ અલગ કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં ગોંડલના પરફેક્ટ કલાસીસના 7 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 9 વર્ષનો ગજેરા અચ્યુત જીજ્ઞેશભાઈ A2 કેટેગરીમાં ચેમ્પિયન બન્યો છે. જ્યારે પિત્રોડા યુગ અને ડોબરીયા જિયાંનએ નેશનલ લેવલ પર મેરીટ રેન્ક અન્ય બાળકોએ અલગ અલગ કેટેગરીમાં તૃતીય રેન્ક મેળવ્યા છે.
માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણવાના ટાર્ગેટ હતો
વિશ્વના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ વચ્ચેની આ સ્પર્ધામાં તેમને કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજનો ઉપયોગ કરી, પોતાનું લોજીક, તર્ક કે બુદ્ધિ વાપર ને નિયત સમયમર્યાદામાં માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણવાના હતા. ગોંડલના આ 7 પ્રતિભાશાળી બાળકોએ પોતાની કેટેગરીમાં અદભુત ક્ષમતા બતાવી ને ટ્રોફી મેળવી છે. અચ્યુતે 9 વર્ષની નાની ઉંમરે ચેમ્પિયન બનીને ખૂબ મોટી સફળતા મેળવી છે. પલક ઝપકાવતા ગણિતના કોઈ પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા ગણીને ઉકેલે છે. ઠુમર શ્યામને તો માત્ર 3 મિનિટમાં કોઈ પણ 100 ગુણાકાર કરવા એ તેના માટે રમતવાત છે.
બાળકોની પ્રતિભા જોઈ સૌથી કોઈ દંગ રહીં ગયું
દર્પ, યુગ અને જીયાનના હાથ એબેકસ ઉપર એવી રીતે ફરે કે જાણે તેમની આંગળીઓમાં કોઈ જાદુ હોય અને જોવા વાળા પોતાની નજર પણ ન હટાવી શકે કે આ બાળકો કેવી રીતે પોતાના મગજનો ઉપયોગ કર ને આ ઝડપ મેળવી રહ્યા છે. વેદાંગી અને રુહીએ પ્રથમ વખત ભાગ લઈને પોતાની જાતને આવનારી કોઈ પણ સ્પર્ધા માટે સજ્જ કરેલ છે. આ સાતેય બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. બાળકોની પાસે એટલું સરસ વિઝ્યુઅલાઇસેશન છે કે નજર સામે આવતા જ કોઈ પણ નંબરનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી આપી શકે છે. કોઈ પણ વ્યક્તિના મોબાઈલ નંબરના 10 આંકડા બોલો તો બોલવા નું પૂરું થાય તે સાથે જ તેમની પાસે તેનો જવાબ તૈયાર હોય છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI નું પોલીસ સાથે ઘર્ષણ, થયો લાફાકાંડ
બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
દિલ્હી યુનિવર્સિટીખાતે ડો.સ્નેહલ કારિયાના હસ્તે આ બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા માં આવ્યા. આ સાથે જ આ બાળકો તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર, માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ક્રિષ્ના રૈયાણી, સયદા બાલાપરિયા અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો: Banaskantha : પાલનપુરમાં યુવતીએ જીવનલીલા સંકેલી, વીડિયો વાયરલ કરી કોની માંગી માફી?
બાળકો છેલ્લા 3 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા
માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે આ બાળકોની આવડત અને તેમની સફળતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ બાળકો છેલ્લા 3 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. આ આવડત તેમણે અબેકસના માધ્યમથી વિકસાવી છે. અબેકસ દવારા બાળકોની એકાગ્રતા, નિરીક્ષણ શક્તિ, ઝડપ અને યાદશક્તિ આ બધું ખૂબ જ વધે છે. માતા પિતા જો બાળક ને મોબાઈલ ના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ માં લગાડે તો ચોક્કસ બાળક માં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એજ્યુકેશન પોલિસી પણ બાળકોને આ જ બાબત પર લઈ જાય છે. કોઈ પણ બાળક નું લક્ષ્ય માર્ક્સ નહી પરંતુ સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Porbandar: ‘હે રામ’ના નામ સાથે નીકળી પાણીની અંતિમયાત્રા, કારણ જાણી તમે પણ ચોંકી જશો