મહાત્મા મંદિરમાં PMO જેવું કાર્યાલય ઊભુ કરાયુ..અહીં થશે મહત્વપૂર્ણ બેઠકો
ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ 2024ની શરૂઆત થવા જઇ રહી છે, આવતીકાલે PM મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, પરંતુ ખાસ વાત છે કે, PM મોદી અત્યારથી જ બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે PM મોદી અને સરકારની કામગીરી માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉભી કરાઇ છે. મળતી માહિતી અનુસાર, દિલ્હીની PMO જેવું ખાસ કાર્યાલય મહાત્મા મંદિરમાં ઉભુ કરવામાં આવ્યું છે, જ્યાંથી PM મહત્વની બેઠકો કરીને સૂચનો આપશે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રૉડ શૉ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રૉડ શૉ કરશે. આ દરમિયાન તેમની સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ હાજર રહેશે. અમદાવાદના ડીસીપી (ટ્રાફિક-ઈસ્ટ) સફીન હસને જણાવ્યું કે પીએમ મોદી ગાંધીનગર એરપોર્ટ પર યૂએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. આ પછી મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે ત્રણ કિલોમીટર લાંબો રૉડ શૉ કરશે.
મહાત્મા મંદિર ખાતે PMO જેવું કાર્યાલય ઉભુ કરાયું
આ બધાની વચ્ચે ખાસ મહત્વની વાત સામે આવી છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે PMO જેવું કાર્યાલય ઉભુ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 રાષ્ટ્રના વડાઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યાલયમાં પીએમ મોદી અન્ય 5 ગ્લૉબલ CEO સાથે પણ બેઠક કરશે. વડાપ્રધાન વિવિધ મહાનુભાવો સાથેની બેઠક માટે કાર્યાલય ઉભુ કરાયું છે. હાલમાં આ કાર્યાલયની સિક્યૂરિટી SPGએ સાંભળી છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ વખતે સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. આ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 133 દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ પણ ભાગ લેશે. માઈક્રોસોફ્ટ, નાસ્ડેક, ગૂગલ, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓના સીઈઓ સમિટમાં ભાગ લેશે. તેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખરન જેવા ભારતીય ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે.
આ પણ વાંચો - PM મોદી મહાત્મા મંદીર ખાતે કરશે મહત્વની બેઠકો…


