જૂનાગઢમાં દુર્ઘટના બાદ મનપા તંત્રની આંખ ઉધડી
અહેવાલ - સાગર ઠાકર
જૂનાગઢ શહેરમાં મકાન ધરાશયી થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જર્જરીત ઈમારતો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ચાર લોકોના મૃત્યુની ઘટના બાદ મનપાની આંખ ઉઘડી હોય તેમ હવે યુધ્ધના ધોરણે જર્જરીત ઈમારતો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ કોર્પોરેશન શહેરમાં જર્જરીત ઈમારતોને લઈને અત્યાર સુધી કુંભકર્ણ નિંદ્રામાં હતું, 24 જુલાઈના બપોરના દાતાર રોડ પર કડીયાવાડના નાંકે શ્રીનાથ નામનું બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું જેમાં ચાર લોકોના મૃત્યુ થયા અને હવે મનપાના જવાબદાર અધિકારીઓની કરૂણાંતીકા સર્જાયા બાદ આંખ ઉઘડી હોય તેમ હવે જર્જરીત ઈમારતો હટાવવાની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલી જર્જરીત ઈમારતોના માલિકોને પોતાની મિલ્કત રીપેરીંગ કરવા અથવા ઉતારી લેવા નોટીસ આપવામાં આવે છે, અત્યાર સુધી મનપા માત્ર નોટીસ આપીને જ સંતોષ માની લેતી હતી, તેની સામે કોઈ કાર્યવાહી થતી ન હતી પરંતુ હવે જ્યારે શહેરમાં દુર્ઘટના ઘટી છે ત્યારે મનપા તંત્ર હરકતમાં આવ્યું અને જાણે નોટીસ ફટકારવાનો દૌર ચાલુ થયો, ચાર લોકોના મૃત્યુથી મનપાના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે એટલે હવે નોટીસ ફટકારવાનું ચાલુ કર્યું છે અને અત્યાર સુધીમાં 280 જેટલી નોટીસો ફટકારવામાં આવી છે.
જેમાંથી 40 મિલ્કતો ઉતારવાની કામગીરી કરી લેવામાં આવી છે આ સિવાય 18 મિલ્કતોના નળ કનેક્શન રદ કર્યા છે, 45 મિલ્કતના લાઈટ કનેક્શન રદ કરવા પીજીવીસીએલને જાણ કરવામાં આવી છે, દરેક વોર્ડ દીઠ સર્વે કરવામાં આવી રહ્યો છે અને જે વોર્ડમાં જર્જરીત ઈમારતો હોય તેની જાણ કરીને તેમને નોટીસો આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ મનપાના અધિકારીઓ દ્વારા જર્જરીત મકાનોને લઈને યુધ્ધના ધોરણે કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અગાઉ નોટીસ આપ્યા બાદ મનપાએ કેમ કોઈ કાર્યવાહી ન કરી. જેમને નોટીસ આપી હતી તેમના મકાનો ઉતારવાની કામગીરી અગાઉ કેમ ન કરવામાં આવી. મનપાના અધિકારીઓ જાણતા હતા કે ઈમારત જર્જરીત છે તો જે કાર્યવાહી હાલમાં ચાલી રહી છે તે કાર્યવાહી અગાઉ કેમ ન કરી. હવે જ્યારે ચાર લોકો મોતને ભેટ્યા છે ત્યારે મનપાના અધિકારીઓ જાગ્યા છે અને હાલ ઘોડા છુટી ગયા પછી તબેલે તાળા દેવા જેવો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો - ઘરફોડ ચોરી કરનારા બે શખ્સોને બોડકદેવ પોલીસે રાજસ્થાનથી ઝડપ્યા, 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ