Ahmedabad Crime News: કૃષ્ણનગરમાં બેવડી ઘટનાથી ફેલાયી દહેશત, પોલીસ દ્વારા કાર્યવાહી
Ahmedabad Crime News: અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી મારામારી અને તોડફોડની બેવડી ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ પેદા કર્યો છે. આ ઘટનાક્રમની શરૂઆત કુબેરનગર વિસ્તારમાં એક સામાન્ય જેવી લાગતી તકરારથી થઈ હતી.
Ahmedabad: મોબાઈલ આપવાનો ઈનકાર કરતા મામલો ઉગ્ર
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબેરનગર મંદિર પાસેના જાહેર રોડ પરથી આકાશ મકવાણા નામનો યુવક પસાર થઈ રહ્યો હતો. તે સમયે જ ત્યાં હાજર કેટલાક શખ્સોએ તેને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલા મોબાઈલની માંગણી કરી હતી. આકાશ દ્વારા મોબાઈલ આપવાનો ઈનકાર કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો અને હુમલાખોરોએ તેના પર તૂટી પડીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવના પગલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને બે સગીર વયના કિશોરો સહિત કુલ ત્રણ આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બનાવને પગલે સોસાયટીના રહીશોમાં ભારે રોષ
જોકે, આ ઘટના અહીં જ શાંત ન થઈ. ભોગ બનનાર આકાશના ભાઈને જ્યારે આ હુમલાની જાણ થઈ, ત્યારે તે આવેશમાં આવી ગયો હતો. તેણે હુમલાખોરોને શોધવા માટે ધરમનગર સ્થિત ગિરિવન સોસાયટીમાં ધસી જઈને આતંક મચાવ્યો હતો. આરોપીઓ હાથ ન લાગતા તેણે સોસાયટીમાં રહેણાંક મકાનો અને વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી. આ તોડફોડના બનાવને પગલે સોસાયટીના રહીશોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો હતો.
આરોપીને પકડવા તજવીજ
આ ઘટના બાદ કૃષ્ણનગર પોલીસ વધુ સક્રિય બની છે. તોડફોડ મામલે પોલીસે હર્ષ પટેલ અને મિહિર મેસરિયા નામના શખ્સો વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. એક જ વિસ્તારમાં આટલા ટૂંકા ગાળામાં બનેલી મારામારી અને તોડફોડની ઘટનાઓએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે જેથી કરીને ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓને રોકી શકાય.
આ પણ વાંચો: Ahmedabad News: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને આજીવન કેદની સજા


