Ahmedabad: બિલ્ડિંગના પાંચમા માળેથી યુવતી એકાએક કૂદી પડી
- Ahmedabad ના ગુપ્તાનગર વિસ્તારમાં યુવતીનો આપઘાત
- સિદ્ધિ વિનાયક આર્કેડમાં યુવતીએ કર્યો આપઘાત
- ગઈકાલે પાંચમાં માળેથી પડતું મૂકી યુવતીએ જીવન ટુંકાવ્યું
- યુવતીના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી
Ahmedabad:શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગર(Guptanagar)ની એક બિલ્ડિંગમાં ગઈકાલે (28 નવેમ્બર) સાંજના સમયે એક યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જોકે યુવતી કોણ હતી, ક્યાંની રહેવાસી હતી અને આત્મહત્યાનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી, જેને કારણે રહસ્ય અકબંધ છે.
બિલ્ડિંગમાં પ્રવેશવાના CCTV ફૂટેજ સામે આવ્યા
મળતી માહિતી મુજબ ગુપ્તાનગર વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક બિલ્ડીંગ(Siddhi Vinayak Building)માં ગઈકાલે સાંજે લગભગ 5:45 વાગ્યે એક અજાણી યુવતી પ્રવેશી હતી. બિલ્ડિંગમાં પ્રવેશ બાદ ગણતરીના સમયમાં જ યુવતીએ પાંચમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતીને બિલ્ડિંગમાં પ્રવેશતી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અસ્પષ્ટ નામ અને બંધ ઓફિસ
પોલીસે બિલ્ડિંગના રજિસ્ટરની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવતીએ પોતાનું નામ પણ અસ્પષ્ટ રીતે લખ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુવતીએ બિલ્ડિંગમાં જે કામ અર્થે આવવાનું જણાવ્યું હતું, તે સંબંધિત ઓફિસ પણ ઘટના સમયે બંધ હતી. યુવતી કોને મળવા આવી હતી અને કઈ ઓફિસમાં ગઈ હતી તે અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. યુવતી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી ન હોવાથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે પડકારજનક બન્યું છે.
ઓળખ અને કારણ અકબંધ
વાસણા પોલીસે(Vasana Police) યુવતીની ઓળખ સ્થાપિત કરવા માટે જુદા જુદા પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં સીસીટીવી ફૂટેજ, ફોટોગ્રાફ્સ અને બિલ્ડિંગના રજિસ્ટરની વિગતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે, જેનો રિપોર્ટ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરી શકશે. યુવતીનું આ અંતિમ પગલું વ્યક્તિગત કારણોસર હતું કે કોઈ અન્ય રહસ્ય છુપાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે મોટેરામાં 30 જેટલા મકાનોનું ડિમોલેશન, શું થવા જઈ રહ્યું છે?


