છેલ્લાં કેટલાક દિવસોથી RTO પ્રિમાઈસીસી એટલે કે ઓફિસની બહાર એજન્ટો સામાન્ય લોકોને છેતરવા અંગેની વ્યાપક ફરિયાદો જોતાં તંત્ર સાબદું થયું હતું. લાઈસન્સ તેમજ આરટીઓના કામ ઝડપથી કરી દેવાના વાયદા કરી લોકોના પૈસા ચાંઉ કરી જવા અંગે ઘણી ફરિયાદો થતી હતી.પારદર્શક શાસનની વાત કરતા તંત્રમાં સામાન્ય લોકને આર.ટી.ઓની કામગીરીમાં ઘણાં કડવા અનુભવો થાય છે, પરિણામે લોકો મજબૂરીવશ પણ એજન્ટોનો સંપર્ક કરતાં હોય છે. એજન્ટ રાજને રોકવાં આર.ટી.ઓ ઓફિસની 100 મીટરની ત્રિજ્યામાં ભલે કોઈ પણ એજન્ટના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો હોય પણ તંત્રની રહેમ નજર હેઠળ આરટીઓ ઓફિસના દરવાજાની એકદમ સામે એજન્ટ રાજ હજુ પણ ચાલી રહ્યું હતું. ખોટા અરજદાર બની ચોકઠું ગોઠવાયું સુભાષબ્રિજ નજીક આવેલા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની બાજુમાં બેસીને એજન્ટો હાલમાં કાર્યવાહી કરતા હતાં. એજન્ટ રાજને રોકવા આર.ટી.ઓ. ઈન્સપેક્ટર દ્વારા એજન્ટોને બાનમાં લેવા ખોટા અરજદાર બની અને ચોકઠું ગોઠવીને ત્રણ એજન્ટોની ધરપકડ પણ કરાઇ છે. કમિશ્નરના પરિપત્ર બાદ સુભાષબ્રિજ ખાતે સાત એજન્ટોને પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શહેરમાં કોઈ પણ જાહેરનામુ બહાર પડે ત્યારે તંત્ર કાર્યવાહીના મોડમાં આવી જાય છે. ત્યાર બાદ થોડા જ દિવસ પછી 'જૈસે થૈ'ની સ્થિતિ સર્જાતી હોય છે.