દર વર્ષે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજે છે, જેને RSSની સર્વોચ્ચ સભા પણ કહી શકાય. ત્યારે વર્ષો બાદ આ સભા ગુજરાતમાં મળવા જઇ રહી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં અમદાવાદમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા 1988ના વર્ષમાં રાજકોટ ખાતે RSSની બેઠક યોજાઇ હતી. હવે 2022ના વર્ષમાં એટલે કે 33 વર્ષ બાદ ફરી વખત ગુજરાતમાં આ બેઠક યોજાવા જઇ રહી છે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં સંઘની આ બેઠકનું આયોજન કરવામાં આવે છે.વિધાનસભા ચૂંટણી માટે અતિ મહત્વની બેઠકસંઘના વડા મોહન ભાગવત તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં અમદાવાદના પીરાણા ખાતે આ બેઠક યોજાશે. માર્ચ મહિનાની 11થી 13 તારીખ સુધી કુલ ત્રણ દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 1995ના વર્ષમાં ગુજરાતમાં ભાજપની બહુમતિની સરકાર બની હતી. ત્યારબાદ પહેલી વખત આ બેઠક ગુજરાતમાં મળવા જઇ રહી છે. એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ તે પહેલા RSSની આ બેઠક મળવાની છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પણ ઘણી મહત્વની ગણવામાં આવી રહી છે. RSSની આ બેઠકમાં શારીરિક પ્રચાર, સંપર્ક, પ્રચારક અભિયાન સહિતના મુદ્દાઓ અંગે મંથન કરવામાં આવશે.આ બેઠકમાં સંઘના વડા, કાર્યવાહ, વિભાગનાં વડા તેમજ રાજ્યોનાં સંઘચાલક, કાર્યવાહ, સહકાર્યવાહ, પ્રચારક પણ હાજર રહે છે. બેઠકમાં સંઘને લગતાં નિર્ણયો લેવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાનની કામગીરીની ચર્ચા પણ કરવામાં આવે છે.