રશિયા (Russia) અને યૂક્રેન (Ukraine) વચ્ચે હુમલાની શરૂઆત થઈ ગઈ છે. રશિયાએ યુક્રેન સામે આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. તેની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ રશિયન ઓપરેશનમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે જવાબી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. જ્યારે આ જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પુતિનને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. UN એ જણાવ્યું છે કે, રશિયાએ તેમના સૈનિકો દ્વારા થતા હુમલા અટકાવવા જોઈએ.પેટ્રોલ ડીઝલના ભાવ વધશેરશિયા-યુક્રેન વચ્ચેના આ મહાયુદ્ધની અસર ભારતીય શેરબજાર પર થઈ છે. આ મુદ્દે બિઝનેસ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમાએ જણાવ્યું છે કે, આ વિકટ સ્થિતિમાં ભારતનું સ્ટેન્ડ ન્યુટ્રલ છે. ભારતને પ્રત્યક્ષ રીતે નહિ પણ પરોક્ષ રીતે અસર થશે. તેમણે જણાવ્યું કે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. 5 રાજ્યના ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. 15 થી 20 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં ભાવ વધી શકે છે તેવું તેમણે જણાવ્યું છે. તો ગેસ સપ્લાયમાં અછત સર્જાશે. ગેસના ભાવ પણ આગામી સપ્તાહમાં વધશે. ભારત અને યુક્રેન વચ્ચેનો વેપાર જે $2.5 બિલિયનથી વધુ છે તેને અસર પહોચશે. 2019-20માં બંને દેશો વચ્ચે લગભગ $2.52 બિલિયનનો વેપાર થયો છે. તેમાંથી ભારતે લગભગ $436.81 મિલિયનની નિકાસ કરી છે અને યુક્રેનથી $2060.79 બિલિયનની વિવિધ ચીજવસ્તુની આયાત કરી છે. ભારતથી યુક્રેનમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, રિએક્ટર, બોઈલર મશીનરી, તેલીબિયાં, ફળો, કોફી, ચા, મસાલા, લોખંડ અને સ્ટીલ વગેરે નિકાસ કરવામાં આવે છે. યુક્રેનમાંથી ભારતમાં મુખ્યત્વે સૂર્યમુખી તેલ, રસાયણો, પ્લાસ્ટિક વગેરેની આયાત થાય છે. યુક્રેનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓનો વ્યવસાય છે. જર્મની અને ફ્રાન્સ પછી ભારતની દૃષ્ટિએ યુક્રેન ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. રેનબેક્સી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ગ્રુપ વગેરે જેવી ઘણી ભારતીય કંપનીઓ યુક્રેનમાં તેમની ઓફિસ ધરાવે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે જો યુદ્ધ વધુ ઘાતક બનશે તો તેની સીધી અસર ભારતીય વેપાર પર પડશે.તો આ મુદ્દે ઓલ ઇન્ડિયા સ્પાઈસીસ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ જણાવ્યું કે,રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વેપારમાં પર અસર થઈ છે. શિપમેન્ટ અટકી જતા ખાસ કરીને ગુજરાતના ઈકોનોમી પર તેની અસર પડશે. આપણો વેપાર યુક્રેન સાથે કરોડો રૂપિયાનો થાય છે. યુક્રેનથી ધાણા, સનફ્લાવર, અને આયર્ન ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ગુજરાતના વેપારીઓના કરોડો રૂપિયા અત્યારે યુક્રેનમાં અટવાયા છે. ગુજરાતના અંદાજિત 300 કરોડ યુક્રેનમાં અટવાયા છે. જેથી ગુજરાતના વેપારીઓ સતત યુક્રેનના વેપારીઓના સંપર્કમાં છે. ત્યારે યુક્રેનના વેપારીઓએ માહોલ સારો થયા બાદ બધું ક્લિયર કરવાનું આશ્વાસન આપ્યું છે.