અભ્યાસની કોઈ ઉંમર હોતી નથી, પરંતુ ઘણાંખરાં અભ્યાસની ચોક્કસથી ઉંમર હોય છે. માનવજીવન સાથે જોડાયેલો અભ્યાસ એક વખત છોડી દીધા બાદ ફરીથી અભ્યાસ શરૂ કરવા માટેની એક ચોક્કસ ઉંમર જરૂર હોય છે. ગુજરાત હાઇકોર્ટમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ અજીબો ગરીબ પ્રકારની જાહેરહિતની અરજી કરી છે. જેમાં અરજદાર દ્વારા દાદ માંગવામાં આવી હતી કે આજથી 32 વર્ષ પહેલાં તેઓએ પોતાનો મેડિકલ અભ્યાસ કોઈ કારણોસર છોડવો પડ્યો હતો અને હવે તેઓ પોતાનો બાકી રહેલો છેલ્લા વર્ષનો અભ્યાસ ફરી શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે. જેથી તેમનો અધૂરો અભ્સાસ પૂરો કરવા મંજૂરી આપવામાં આવે તેવી માંગ અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીના પગલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે ભણવાની કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી, પરંતુ ઘણાંખરાં અભ્યાસમાં વિભાગો એવા હોય છે જેમાં માનવજીવન સંકળાયેલું હોય છે જેથી કરીને તેવા અભ્યાસના ક્ષેત્રમાં ઉંમર જોવી જરૂરી બની જાય છે, કારણકે દરવર્ષે અભ્યાસક્રમ પણ બદલાતો હોય છે અને ટેકનોલોજી પણ બદલાતી હોય છે. જેથી અમુક ઉંમરે અમુક ચોક્કસ ટેકનોલોજી ભણાવવી અને તેને વ્યવસાયમાં અપનાવવી શક્ય બનતી નથી. તેમાંય ખાસ કરીને એવી કોઈ ટેકનોલોજી કે જે માનવજીવન સાથે જોડાયેલી હોય.ગુજરાત હાઈકોર્ટે સુનવણી દરમ્યાન નોંધ્યું હતું કે MBBS અભ્યાસમાં 32 વર્ષ બાદ સીધા જ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરવાની પરવાનગી માંગવી તે બાબત એકંદરે યોગ્ય ગણી શકાય નહીં. કારણકે અરજદારના મેડિકલ અભ્યાસના બે વર્ષ પૂર્ણ થયાને પણ ઘણા વર્ષો વીતી ચુક્યા છે અને સમયાંતરે અભ્યાસક્રમથી લઈને બીજી ઘણી બધી બાબતો બદલાઈ ગઈ હોય છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ અને વ્યવસાય લોકોના જીવન મરણ સાથે જોડાયેલો છે. તેથી કોર્ટે ઉદહારણ આપતા કહ્યું હતું કે ખોટા ઇન્જેક્શનના કારણે જો કોઈનો જીવ જોખમમાં મુકાઈ જાય તો જવાબદાર કોણ? સુનવણીના અંતે હાઇકોર્ટે અરજદારના વકીલને કહ્યું કે જો તેઓ શરૂઆતથી એટલ કે પહેલા વર્ષથી પોતાનો અભ્યાસ શરુ કરવાની ઇચ્છા ધરાવતા હોય તો તે માટે નિર્દેશ કરી શકાય પરંતુ હાઇકોર્ટે સાથોસાથ એ પણ કહ્યું કે અરજદારે પોતાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરવાનું રહેશે. આ બાબતે વધુ સુનવણી એક સપ્તાહ બાદ હાથ ધરાશે.