અમદાવદામાં ક્રિકેટ પર સટ્ટો રમતા અને રમાડતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પાલડી પોલીસે અલગ -અલગ દેશો વચ્ચે રમાતી પ્રીમિયર લીગ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા આરોપી મિત શાહની ધરપકડ કરી છે.પાલડી પોલીસને માહિતી મળી હતી કે પાલડી ભઠ્ઠામાં આવેલા અશોકનગર સોસાયટીના મકાન નંબર 26માં રહેતો એક યુવાન સટ્ટો રમે છે અને રમાડે છે. જે બાતમીના આધારે પાલડી પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં આરોપી મીતના પિતાને પુછતા મીત શાહ મકાનના ઉપરના ભાગે પોતાના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરમાં દરોડો પાડી આરોપી મિત શાહની ધરપકડ કરી છે. આરોપીનો મોબાઇલ ચેક કરતા તેમાંથી એક વેબસાઈટમાં આઈડી અને પાસવર્ડ નાંખીને સટ્ટો રમતો અને રમાડતો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ પોલીસે whatsapp ના સ્ક્રીનશોટ માંથી પણ સટ્ટાને લગતી ચેટ મેળવી હતી. પોલીસે આરોપી મિત શાહની ધરપકડ કરી તે કેટલા સમયથી સટ્ટો રમતો હતો અને રમાડતો હતો સાથે જ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.