અમદાવાદમાં મહિલા અત્યાચાર અને સાયબર ક્રાઈમને ઘટાડવા માટે પોલીસ અને મીડિયા એક મંચ પર આવ્યા છે. અમદાવાદની હયાત હોટલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસે હાથ ધરેલા કામો અંગે ચર્ચા કરી.મીડિયા અને પોલીસ એક મંચ પરઅમદાવાદ શહેર પોલીસે 40 હજાર બહેનો થકી સર્વે કરાવીને મહિલાઓ માટેનાં ફંડને કઈ જગ્યાએ વપરાશ કરવો તે બાબતને ધ્યાને લઈને કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે અમદાવાદ સાયબર ક્રાઈમ ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા અંદાજે 16 હજાર જેટલા લોકોના રૂપિયા પરત અપાવવામાં સફળ રહી છે. પોલીસની આ કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાના તમામ એડિટર અને સંચાલકો તથા પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સચોટ અને સમયસર માહિતી પ્રજા સુધી પહોંચે તે માટે મીડિયા અને પોલીસ થકી સમાજમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રયાસ કરાયો છે. મોબાઈલમાંથી ફરિયાદ કરી શકાય તેવું આયોજન કરાશે: હર્ષ સંઘવી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરમાં એક પ્રયોગ હાથ ધરાશે. જેમાં નવા આઈડિયા, માહિતી અને તમામ બાબતો પોલીસ સુધી પહોંચે તેવા પ્રયાસ હાથ ધરાશે, સાથે જ નાગરિકો મોબાઈલથી જ પોતાની પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા શરૂ કરાશે. આ સાથે જ નજીકના સમયગાળામાં ગુજરાતમાં નવી સ્પોર્ટ્સ પોલિસી આવશે જેમાં યુવક-યુવતીઓને સારી તક અને પ્રોત્સાહન મળશે તેવી જાહેરાત કરી. ગૃહ રાજ્યમંત્રીએ આવનારા દિવસોમાં અમદાવાદ શહેર પોલીસનાં આ પ્રયાસને ગુજરાતનાં વિવિધ શહેરોમાં પણ યોજાશે તેમ જણાવ્યું હતું. આ પ્રકારે મીડિયા અને મીડિયા જગત સાથે જોડાયેલા લોકો પોતાનાં સૂચનો, અને સમાજમાંથી મળતી માહિતીઓ પોલીસ સાથે શેર કરે અને પોલીસ તે માહિતીનો ઉપયોગ કરી જનતા માટે સારી કામગીરી કરી શકે તે માટે પ્રયત્નશીલ રહેશે.