Sabardairy : શું ખરેખર લાખો રૂપિયા લઈ માનીતા અને સગા-વ્હાલાઓને નોકરી અપાય છે ?
- Sabardairy માં ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ
- પદની પ્રતિષ્ઠાનો વટ મારતા કેટલાક કર્મચારીઓની મનમાનીનાં આક્ષેપ
- લાખો રૂપિયાની લાંચ લઈ માનીતાઓને નોકરી અપાતી હોવાનો આરોપ
- સાબરડેરીનાં કર્મચારીઓમાં પણ જૂથવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા
સાબરડેરીમાં (Sabardairy) જયારે પણ ચૂંટણી યોજાય ત્યારે સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લાનાં (Aravalli) સહકારી ક્ષેત્રનાં કેટલાક અગ્રણીઓ જાણે કે સાબરડેરી તેમની પેઢી હોય તેમ ચૂંટણી લડતા પહેલા સ્થાનિક દૂધ મંડળીઓનાં ચેરમેનોને નોકરી અથવા તો અન્ય નાણાકીય લાલચ આપી પોતાના મત વિસ્તારમાં ચૂંટણી લડીને ડિરેક્ટર અથવા તો ચેરમેન બની જાય છે અને ત્યાર બાદ સાબરડેરી જાણે તેમના માટે દૂજણી ગાય સમાન બની જાય છે તેવું કેટલાક લોકોનું કહેવું છે. ડિરેક્ટરો પોતાનાં સગા-વ્હાલાઓને ગોઠવવા માટે ચેરમેન પર દબાણ કરીને દેખાવ ખાતર ભરતીની જાહેરાત બહાર પાડીને પાછલે બારણે લાખો રૂપિયા લઇને મામકાઓ તથા અન્ય લોકોને નોકરી આપી દેતા હોય છે તેવા પણ આરોપ થયા છે. આવી સ્થિતિમાં સામાન્ય વર્ગમાંથી આવતા કોઇપણ યુવક-યુવતીને સાબરડેરી સહિત અન્ય સહકારી સંસ્થાઓમાં નોકરીનું સ્વપ્ન ચકનાચૂર થઇ જાય છે. આજે પણ સાબરડેરી સહિત અન્ય સહકારી સંસ્થાઓમાં ચૂંટાયેલા ડિરેક્ટરો અને તેમના સગા-વ્હાલાઓને નોકરી આપીને તગડો પગાર અપાઇ રહ્યો હોવાના આક્ષેપ થયા છે.
ભરતીમાં કૌભાંડ અને લાખો રૂપિયાની લાંચ લેવાનાં આરોપ
સૂત્રોનાં જણાવ્યા મુજબ, જ્યારથી સાબરડેરીની સ્થાપના થઇ ત્યારથી અવાર-નવાર ચૂંટાતા ડિરેક્ટરો અને ચેરમેન કોઇની પણ પરવા કર્યા વિના જિલ્લા રજિસ્ટ્રાર, રાજય રજિસ્ટ્રાર અને ખુદ સહકાર વિભાગનાં મંત્રીનાં આર્શીવાદને લીધે તેઓ ભરતીની પ્રક્રિયા સાંગોપાંગ પાર પાડે છે. જો કોઇ વિરોધ કરે અથવા તો કોર્ટમાં જાય તો થોડોક સમય ભરતીની પ્રક્રિયા મુલતવી રાખીને સહકારી કાયદાની છટકબારી હેઠળ પાછલે બારણે ભરતી કરી દેતા હોય છે. આરોપ છે કે, દર વખતે ભરતી હોય ત્યારે ડિરેક્ટરોને કેટલાક કર્મચારીઓ લેવા માટેની વ્યૂહરચના અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે. ત્યારે મોટાભાગનાં તમામ ડિરેક્ટરો જેને પણ નોકરીમાં લેવાના હોય તેમની પાસેથી લાખોની રકમ એડવાન્સમાં લઇ લે છે અને ભરતી પ્રક્રિયા માટે લેખિત તથા મૌખિક પરીક્ષા લેતા અગાઉ નામાવલી આપી દેવામાં આવે છે. આ બધી પ્રક્રિયા માત્ર દેખાવની અને કાગળ પર બતાવવામાં આવે છે.
આ પણ વાંચો - Sabardairy : સાબરદાણ ફેકટરીમાં 'રાજ' કોનું ? ડિરેક્ટર, પદાધિકારીઓની મિલીભગતથી એક પરિવારે પ્રભુત્વ જમાવ્યાનો આરોપ
અગ્રણીઓનાં લાગતા-વળગતાઓને નોકરી દેવાઇ હોવાનાં આક્ષેપ
અગાઉ ભરતીમાં સહકારી તથા રાજકીય અગ્રણીઓનાં સગાં-વ્હાલાઓ અથવા તો પરિવારનાં સભ્યો પૈકી કેટલાકની ભરતી કરાવી દેવામાં આવતી હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં પણ સાબરડેરીનાં ચેરમેન અત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન પદ શોભાવી રહ્યા છે. ત્યારે, હિંમતનગર સહિત સાબરકાંઠાનાં કેટલાક અગ્રણીઓનાં લાગતા-વળગતાઓને નોકરી દેવાઇ હોવાનાં આક્ષેપ છડેચોક થઇ રહ્યા છે. પરંતુ, હજું સુધી કોઇ અન્ય અધિકારી દ્વારા આ ભરતી પ્રક્રિયાની વિરુદ્ધમાં આવાજ ઉઠાવવામાં આવ્યો નથી. એટલું જ નહીં પણ સાબરડેરીમાં નોકરી કરતા મોટાભાગનાં કર્મચારીઓ યેનકેન પ્રકારે કોઇ ડિરેક્ટર અથવા તો સહકારી અગ્રણીની રહેમ નજરથી નોકરી કરતા હોય ત્યારે તેઓ પણ પોતાનો વટ રાખીને અન્ય કર્મચારીઓ પર રોફ જમાવી રહ્યા હોવાની પણ અંદરખાને ચર્ચા છે.
આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?
સાબરડેરીનાં કર્મચારીઓમાં પણ ચાલી રહ્યો જૂથવાદ ?
સૂત્રોનું માનીએ તો સાબરડેરીનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને વર્તમાન તથા ભૂતકાળનાં ડિરેક્ટરોનાં આર્શીવાદ હોવાને કારણે સાબરડેરીનાં કર્મચારીઓમાં પણ જૂથવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં પણ જેનું જોર વધારે હોય તેવા કર્મચારીઓ આજે પણ અધિકારીઓ પાસે પોતાનું ધાર્યુ કરાવતા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. પરંતુ, લાચારી એ છે કે જે કર્મચારીઓએ વર્ષો સુધી નોકરી કરી છે અને થોડાક સમયમાં નિવૃત્ત થવાનાં હોવાને લીધે તેઓ ચૂપ થઈ ખેલ જોઇ રહ્યા છે. જો તેઓ કંઇ કહેવા જાય તો તેમની નોકરીનો સવાલ આવે. આ બધુ ક્યારે અટકશે તેનો કોઇ જવાબ આપી શકે તેમ નથી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ