Amreli Flood: અમરેલી જિલ્લામાં મેઘતાંડવ, ખોડિયાર ડેમ છલકાતા 40 ગામો એલર્ટ
અમરેલી જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 40 ગામડાઓને એલર્ટ કરાયા છે. જિલ્લાના મુખ્ય હાઇવે પર મોટા ભુવા પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે, જ્યારે રાજુલા અને જાફરાબાદ પંથકમાં નદીઓના પૂરને કારણે જનજીવન ઠપ્પ છે.
Advertisement
Amreli Flood Khodiyar Dam Overflow: અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે. ડેમ 90 ટકા ભરાઈ જતાં જળસ્તર જાળવી રાખવા માટે ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ 31,950 ક્યુસેક પાણી શેત્રુંજી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. આ જાવક સામે ડેમમાં પણ 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમનું સંતુલન જાળવવું તંત્ર માટે પડકારજનક બન્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા 40થી વધુ ગામડાઓને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

