Amreli: ધૂધળા વિકાસની નિશાની! 23 વર્ષથી લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે ખાંભાનું એસટી ડેપો
Amreli: અમરેલી (Amreli) જિલ્લાના ગીર કાંઠાના ખાંભામાં 23 વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ નિર્માણધીન એસ ટી ડેપો શોભાના ગઠીયા સમાન છે. આજે પણ આ એસ.ટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે. ખાંભા ગામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેક વાર રજૂઆત અને આંદોલન પણ કર્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ કરવામાં આવતો નથી ત્યારે આ ખાંભાના એસ ટી ડેપોની સ્થિતિ કેવી છે? તેની વિગતે આ સ્પેશ્યલ રિપોર્ટમાં જોઈએ...
આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું એસટી બસ સ્ટેશન
રાજુલા જાફરાબાદ અને ધારી વિધાનસભા એમ 2 વીઘાનસભા વિસ્તારમાં વેચાયેલા ખાંભા 57 ગામનો તાલુકા છે. બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ વિકાસની રાહ જોઈ રહ્યું તેમ 23 વર્ષથી બનેલો એસટી ડેપો ખંઢેર હાલતમાં પડ્યો છે. આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી. અગાઉ ગામ જનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડ્યું હતું. ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી. રજૂઆતો કરવા છતાં ખાંભામાં એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, લોકાર્પણ વાંકે હાલ આ એસ.ટી ડેપો આખો જર્જરીત થઈ ગયો છે.
અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી
ગીર કાંઠાની નજીક આવેલ અમરેલી (Amreli) જિલ્લાના ખાંભા તાલુકા કક્ષાનું ગામ છે, પણ ગામજનો છેલ્લા 23 વર્ષથી એસટી ડેપો ચાલુ કરવા માટે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે. ખાંભાના જુના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઉભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા વગેરે રહી છે અને વેપારીઓ પરેશાન બન્યા છે. આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જુના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યા નો કાયમી હલ થઇ જાય એમ છે. એસટી ડેપો શરૂ થાય તો ખાંભાને લાંબા રૂટની સુરત, અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઉભી થાય તેમ છે અને પ્રાઇવેટ વાહનોની ઉઘાડી લૂંટથી છુટકારો થાય એમ છે. પરંતુ એસટીનું આ નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે નિર્માણાધિન નવો એસ.ટી ડેપો શોભાના ગાઠિયા સમાન બની હાલ જર્જરીત થઈ ગયો છે.
દોઢ કરોડનો ખર્ચ 23 વર્ષથી ધૂળ ખાઈ રહ્યો છે
ખાંભામાં 23 વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચ બનાવેલ એસ ટી ડેપો આજે પણ ધૂળ ખાઈ રહ્યો છે. એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંઢેર બન્યું છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક ચૂંટણી જતી રહે બાદ કોઈ સામે જોઈતું નથી. બે-બે ધારાસભ્ય હોવા છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરાવી શકતા નથી, ત્યારે સ્થાનિક ગામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવા અથવા તો પહેલા જે રમત ગમતનું મેદાન હતું તે મેદાન ફરી આપવા માંગ કરવામાં આવી છે.