Anand: અડાસ ગામે મોટી દૂર્ઘટના, નિર્માણાધીન રેલવે બ્રિજનો ભાગ ધરાશાયી
Anand: આણંદ જિલ્લાના અડાસ (Adas) ગામ ખાતે આજે રેલવે વિભાગ (Railway Department) દ્વારા નિર્માણાધીન એક બ્રિજનો ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
રેલવે દ્વારા નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, અડાસ ગામ નજીક રેલવે દ્વારા નવા બ્રિજનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. આજે કોઈ કારણોસર આ બ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. બ્રિજ ધરાશાયી થવાને કારણે જોરદાર અવાજ આવતા આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા
સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ (No Casualties) નોંધાઈ નથી. જો આ સમયે નીચેથી કોઈ વાહન કે રાહદારીઓ પસાર થતા હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. બનાવની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં બ્રિજનું કામ કેમ અને કેવી રીતે ધરાશાયી થયું, તે અંગે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Anand: રેલવે વિભાગ દ્વારા કરાશે તપાસ
રેલવે વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર તપાસ (Investigation) હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. નિર્માણ કાર્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હતી કે કેમ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અડાસ ગામમાં બ્રિજ ધરાશાયી થવાની આ ઘટનાએ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ પણ તંત્ર પાસે આ સમગ્ર બાબતની ઊંડી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: રણમાં ચીનનો 'પરમાણુ પ્રોજેક્ટ',સેટેલાઇટ તસવીરોએ ખોલી દીધી ડ્રેગનની પોલ!


