Banaskantha માં આરોગ્ય સાથે ચેડાં! શ્રી સેલ કંપનીનું શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી સીલ, માલિક ફરાર
- Banaskantha માં ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ, ફૂડ વિભાગનો દરોડો
- ચંડીસરમાં શંકાસ્પદ ઘી બનાવતી યુનિટ સીલ
- ફૂડ વિભાગની કાર્યવાહી છતાં ફરી ભેળસેળ, ગોડાઉન સીલ
- કાયદાનો ડર નહિ: ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી સીલ
Banaskantha : જિલ્લા ફૂડ વિભાગે ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી એક શંકાસ્પદ ફૂડ યુનિટ સામે કડક કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના ચંડીસર ખાતે આવેલી 'શ્રી સેલ' નામની કંપનીમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા ફૂડ વિભાગે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને તેને સીલ કર્યું છે.
અગાઉ કાર્યવાહી છતાં નવો માલ : કાયદાનો ડર નહિ
મહત્વની વાત એ છે કે, 'શ્રી સેલ' કંપની અગાઉ પણ શંકાસ્પદ ઘી બનાવતી હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગની કાર્યવાહીનો સામનો કરી ચૂકી છે. જિલ્લા ફૂડ અધિકારી તેજસ પટેલના જણાવ્યા અનુસાર, અગાઉ આ પેઢીના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જે લેબોરેટરીમાં ફેલ જાહેર થયા હતા. આટલી કાર્યવાહી થયા છતાં, કંપનીના માલિકોમાં કાયદાનો સહેજ પણ ખોફ ન હોય તેમ, ફરીથી ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન ચાલુ રાખ્યું હોવાની માહિતી તંત્રને મળી હતી.
રેડ પડતાં માલિક ફરાર, પોલીસની મદદ લેવાઈ
નવા દરોડા દરમિયાન, ફૂડ વિભાગની ટીમ રેડ કરવા પહોંચતા જ કંપનીનો માલિક ફરાર થઈ ગયો હતો. અધિકારીઓએ તાત્કાલિક પોલીસની મદદ લીધી અને માલિકને હાજર કરાવીને ગોડાઉનની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો અને તેને બનાવવા માટેની માલસામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, સમગ્ર ફેક્ટરી યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાયદાની છટકબારીઓ અને ગંભીર પરિણામો
ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા વારંવાર આવી શંકાસ્પદ પેઢીઓ પર રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ કાયદાની છટકબારીઓનો લાભ લઈને નવા નામ કે નવા માલિકો દ્વારા ફરીથી ધંધો શરૂ કરી દેતા હોય છે. આવા વેપારીઓ વર્ષો સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા રહે છે, જેના ગંભીર પરિણામો લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અને તેઓ અનેક ગંભીર બીમારીઓનો ભોગ બને છે. 'શ્રી સેલ' કંપનીના માલિકે પણ અગાઉની કાર્યવાહી બાદ ફરીથી આ જ કૃત્ય કર્યું હોવાથી, આવા લોકો સામે તંત્ર દ્વારા કડકાઈ રાખવામાં આવે અને સખત પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે.
અહેવાલ - કમલેશ રાવલ
આ પણ વાંચો : Chhota Udepur માં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ફરિયાદ, સ્થાનિકોએ ભાંડો ફોડ્યો, ચાર ટ્રકો જપ્ત