Bank Strike: બેંકમાં જતા પહેલા આ સમાચાર જાણી લો! ગુજરાતના 80 હજાર કર્મચારી હડતાળ પર ઉતર્યા
- સમગ્ર દેશના 8 લાખ બેંક કર્મચારી (bank employees) હડતાળ પર ઉતર્યા
- ગુજરાતમાં 80 હજારથી વધુ બેંક કર્મચારી હડતાળ ઉતર્યા
- જામનગર (Jamnagar) આજે દેશવ્યાપી બેંક હડતાલનું યુનિયન દ્વારા એલાન
- વલસાડ (Valsad) જિલ્લામાં આજરોજ સરકારી બેંકો ના કર્મચારીઓ હડતાળ પર
Bank Strike: દેશભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ આજે પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને રણશિંગુ ફૂંક્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેજા હેઠળ આયોજિત આ દેશવ્યાપી હડતાળને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર સામાન્ય જનતા અને વેપારીઓના નાણાકીય વ્યવહારો પર પડી છે.
8 લાખ કર્મચારીઓનો હુંકાર, ગુજરાતમાં વ્યાપક અસર
આ હડતાળમાં સમગ્ર દેશના અંદાજે 8 લાખ બેંક કર્મચારીઓ જોડાયા છે, જેમાં ગુજરાતના 80 હજારથી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક જેવી અગ્રણી સરકારી બેંકોની સાથે ખાનગી અને સહકારી બેંકોના કર્મચારીઓએ પણ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદમાં વિશાળ રેલી: સરદારબાગથી વલ્લભસદન સુધી ગુંજ્યા સૂત્રો
અમદાવાદમાં આંદોલનકારીઓએ પોતાની તાકાત બતાવવા માટે સરદારબાગથી વલ્લભસદન સુધી એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા 1 હજારથી વધુ બેંક કર્મચારીઓ જોડાયા હતા. હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કર્મચારીઓએ મેનેજમેન્ટ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ (Rajkot) ના બેંક કર્મચારીઓ પણ હડતાળ પર
ગુજરાતમાં આજે તમામ બેંકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે ત્યારે રાજકોટના બેંકકર્મીઓ કામકાજથી અળગા રહ્યા હતા. રાજકોટના જયુબેલી ખાતે બેંક કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. UGC ને લઈ સુત્રોચાર કરવામાં આવ્યો હતો. 5 ડે વીક માંગ સાથે આજે સુત્રો ચાર કરવામાં આવ્યો હતો. સાથે બેંકોનું અલગ અલગ માંગણીઓ ને લઈ સુત્રોચાર કરવામાં આવ્યો હતો.
બેંક કર્મચારીઓની મુખ્ય માગણી
બેંક કર્મચારીઓની સૌથી મુખ્ય માગણી સપ્તાહમાં 5 દિવસ કામકાજ (5-Day Week) કરવાની છે. યુનિયનના અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો છે કે:
"જ્યારે એલ.આઈ.સી., રિઝર્વ બેંક (RBI), કેન્દ્ર સરકારના વિભાગો, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં સપ્તાહમાં પાંચ દિવસ કામકાજની પદ્ધતિ અમલમાં છે, તો બેંક કર્મચારીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે?"
કર્મચારીઓ દર સપ્તાહના શનિવાર અને રવિવારે રજા આપવાની માગ પર અડગ છે. આ ઉપરાંત અન્ય પડતર નાણાકીય માગણીઓ અને પેન્શનના મુદ્દાઓ પણ હડતાળના કેન્દ્રમાં છે.
જામનગર અને વલસાડમાં વિરોધ પ્રદર્શન
જામનગર હોસ્પિટલ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખા બહાર ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સેક્રેટરીની આગેવાનીમાં કર્મચારીઓએ એકઠા થઈને ઉગ્ર દેખાવો કર્યા હતા.
વલસાડ જિલ્લાની તમામ મુખ્ય સરકારી બેંકોના શટર પડ્યા રહ્યા હતા. કર્મચારીઓ ઓફિસની બહાર એકઠા થયા હતા અને નારાબાજી કરી હતી.
નાણાકીય વ્યવહારો અટવાયા
હડતાળને કારણે ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહાર અને લોન પ્રોસેસિંગ જેવી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડતા વેપારી જગતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા વહેલી તકે માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી યુનિયન દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ


