Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વ આદિવાસી દિને ફાળવાયેલા આવાસોથી લાભાર્થીઓ હજુ વંચિત

(અહેવાલ - સ્નેહલ પટેલ, નવસારી) સરકારનો કહેવાતો વિકાસ આદિવાસી વિસ્તારોમાં કેટલાંક સ્થળે તો ડોકાતો જ નથી. જેનું જીવતું ઉદાહરણ આછવણી ગામમાં જોવા મળે છે. વિશ્વ આદિવાસી દિને ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આછવણી તાલુકાના 13 લાભાર્થીને આવાસ ફાળવણીનાં સર્ટિફિકેટ આપવામાં...
વિશ્વ આદિવાસી દિને ફાળવાયેલા આવાસોથી લાભાર્થીઓ હજુ વંચિત
Advertisement

(અહેવાલ - સ્નેહલ પટેલ, નવસારી)

સરકારનો કહેવાતો વિકાસ આદિવાસી વિસ્તારોમાં કેટલાંક સ્થળે તો ડોકાતો જ નથી. જેનું જીવતું ઉદાહરણ આછવણી ગામમાં જોવા મળે છે. વિશ્વ આદિવાસી દિને ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આછવણી તાલુકાના 13 લાભાર્થીને આવાસ ફાળવણીનાં સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. પરંતુ નેતાઓએ ફોટા પડાવી લીધા બાદ જાણે બધું જ ભુલાઈ ગયું. લાભાર્થીઓ ઘર માટે સપનું જોતા હતા અને હરખના માર્યા ટીડીઓને મળવા ગયા તો 'તમારી પાસે પ્લોટ નથી એટલે આવાસ નહીં મળે' કહી તેમને રવાના કરી દેવાયા હતા. તો શું સર્ટિફિકેટ આપતી વેળા આ વાતથી તંત્ર અજાણ હતું. સરાજાહેર તાઈફો કરવાની શું જરૂર હતી?

Advertisement

આવાસ મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન

Advertisement

દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે પણ આદિવાસીઓનું જીવન દોહ્યલું છે. માંડ પરિવારનું ગુજરાન ચલાવતા કેટલાક પરિવારો પાસે રહેવા માટે પાકાં મકાન પણ નથી. જાણે સુધરેલા સમાજથી આવા ગરીબો વંચિત રહી ગયા હોય એવી સ્થિતિ આજે પણ જોવા મળે છે. ઘર બાંધવું હોય તો અનેક જાતના પુરાવા રજૂ કરવા પડે છે. ત્યારે સરકારી આવાસ યોજનાનો લાભ મેળવવાનું પણ આવા પરિવારો માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. ખેરગામના આછવણી ગામના 13 આદિવાસી પરિવારોને કંઈક આવો જ કડવો અનુભવ થઈ રહ્યો છે.

હવે આ પરિવારોએ ન્યાય માટે ક્યાં જવું?

ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સરકાર દ્વારા 9મી ઓગસ્ટ-2022ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિમ જૂથ/હળપતિ તથા આદિજાતિના લોકો માટે ટ્રાઇબલ આવાસ યોજના હેઠળ ખેરગામના આછવણીના 13 પરિવારને આવાસની સૈદ્ધાંતિક મંજૂરીનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. પરંતુ હજુ સુધી આ યોજનાનો લાભ આ દરીદ્ર પરિવારોને મળ્યો નથી. આ બાબતે ગરીબ આદિવાસીઓ ટીડીઓને રજૂઆત કરવા ગયા તો 'તમારી પાસે જમીન નથી, એટલે આવાસ નહીં મળે' એવું ચોખ્ખું સુણાવી દેવામાં આવ્યું હતું. તો શું સર્ટિફિકેટ આપતી વખતે આ વાત તંત્રને ખબર ન હતી. વિશ્વ આદિવાસી દિવસે જાહેર મંચ પર બોલાવી ફોટા પડાવનારા નેતાઓને પણ એ વાતનો ખ્યાલ ન હતો? ત્યારે આ લાચાર પરિવારોની તંત્ર જાણે હાંસી ઉડાવી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. હવે આ પરિવારોએ ન્યાય માટે ક્યાં જવું?

અમે જન આંદોલન કરીશું: અનંત પટેલ
આ બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ખેરગામના કેટલાંક ગામોમાં લોકોને આવાસના સપનાં બતાવાયા હતાં. પછી તમારી પાસે જમીન નથી એટલે આવાસ નહીં મળે એમ કહી દીધું હતું. તો સૈદ્ધાંતિક મંજૂરી શું કામ આપી હતી? એ વેળા ખબર ન હતી કે લાભાર્થીઓ પાસે જમીન નથી? જો આવાસ નહીં મળે તો અમે જન આંદોલન કરીશું.

આદિવાસીઓને આવાસનો લાભ મળે એવા પ્રયત્નો કરીશું: રક્ષાબેન પટેલ
આ બાબતે તાલુકા પંચાયતનાં પ્રમુખ રક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, આછવણી ગામે આદિમ જૂથના આદિવાસી વિભાગ દ્વારા ૧૩ લાભાર્થીના આવાસ મંજૂર કરાયાં હતાં. જેમાં જમીનનો પ્રશ્ન હતો. જે-તે સમયે ગ્રામ પંચાયત દ્વારા પ્રશ્નોનો નિકાલ કરવાની બાંયધરી અપાઈ હતી. આ પ્રશ્ન મારા ધ્યાન પર લવાયો છે. આથી સરપંચ સહિત તલાટી સાથે સંકલન કરીને પ્રશ્નનો નિકાલ કરી આદિવાસીઓને આવાસનો લાભ મળે તેવા પ્રયત્નો કરીશું.

પ્રમાણપત્ર મળ્યાં તો આવાસ મળવા જોઈએ ને: મહેશભાઈ પટેલ
આછવણી ગ્રામ પંચાયતના સભ્ય મહેશભાઈ ગુલાબભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિમ જૂથમાંથી આવાસ પાસ થયાં છે અને પ્રમાણપત્ર પણ મળ્યાં છે. છતાં પૈસા મળ્યા નથી. એટલે અમે ટીડીઓ સાહેબને મળ્યા તો ટીડીઓ સાહેબે પહેલા તો હા પાડી, પણ પૈસા ન આવે એટલે કામ કર્યુ ન હતું. એ પછી એક-બે મહિના નીકળી ગયા. પછી સાહેબે કહ્યું કે, 'માલિકીની જમીન નથી એટલે પૈસા ન મળે.' પરંતુ પ્રમાણપત્ર મળ્યાં છે એટલે આવાસ તો મળવા જોઈએ ને.

પૈસા મળે તો અમે ઘર બનાવીએને: મોહનભાઈ પવાર
આ બાબતે મોહનભાઈએ જણાવ્યું હતું કે, અમને કહેવાયું હતું કે તમારા ચેક પાસ થયા છે એટલે ખેરગામમાં વિશ્વ આદિવાસી દિને બોલાવીને પ્રમાણપત્ર આપ્યાં હતાં. ત્રણ મહિના પછી પૈસા જમા થાય ત્યારે ઘર તોડીને બનાવી દેજો. પરંતુ પછી અમે રજૂઆત કરવા ગયા તો તમારી પાસે પ્લોટ નથી એટલે આવાસ નહીં મળે એમ કહી દીધું હતું. આવા તો ત્રણ-ચાર આંટા મારી દીધા. 42 વર્ષ પહેલાં ઇન્દિરા આવાસ મળેલાં. હવે તો આ આવાસ પકડીએ તો ઈંટ નીકળી પડે છે. પૈસા જમા કરે તો અમે ઘર બનાવી શકીએ.

ગ્રામ પંચાયત કક્ષાએથી કાર્યવાહી શરૂ કરેલ છે:તાલુકા વિકાસ અધિકારી
આ બાબતે ખેરગામના તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈએ જણાવ્યું હતું.કે આછવણી ગામના 13 જેટલા આદીમજુથ પરિવારોના આવાસ બને તે માટે પ્લોટની ફાળવણીની ગ્રામ પંચાયત કક્ષાએથી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

આવાસથી વંચિત લાભાર્થીઓના નામ

  • મનુભાઈ દેવુભાઈ ભડક્યા
  • પાલીબેન લલ્લુભાઈ પવાર
  • જશુબેન ધીરુભાઈ વાધયા
  • ભીખુભાઈ ભગાભાઇ ભડક્યા
  • અર્જુનભાઈ ગમનભાઈ ચૌધરી
  • જિતેન્દ્રભાઈ ગમનભાઇ ચૌધરી
  • મંછીબેન ગુલાબભાઈ સાવરિયા
  • શૈલેષભાઈ જગુભાઈ વાલોર
  • મગનભાઈ કોયાભાઈ ભોયા
  • સવિતાબેન મોહનભાઈ પવાર
  • રમણભાઈ મોહનભાઈ વાલોર
  • ઝીણકીબેન ગાવજી ભાઈ પવાર
  • વિક્રમભાઈ છનાભાઈ ભોયા

આ પણ વાંચો : બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર આચર્યુ દુષ્કર્મ, 7 માસના ગર્ભથી ફૂટ્યો ભાંડો

Tags :
Advertisement

.

×